અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ કોરોના રોગચાળાને લીધે પહેલી જુલાઈ, 2021થી એટલે કે ગુરુવારથી યોજવામાં આવશે. ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપનારા ત્રણથી સાડાત્રણ લાખ વિદ્યાર્થીઓ જુલાઈમાં 18 વર્ષ પૂરા કરશે. જેથી આ વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે.
શિક્ષણ વિભાગે તકેદારીના ભાગરૂપે ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ કે જેમને જુલાઈમાં 18 વર્ષ પૂરા થાય છે, તેમને રસી આપવા માટે સ્કૂલો પાસેથી ડેટા મગાવ્યો છે.
જુલાઈની 1 તારીખથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરુ થશે. 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ સાથે જ પરીક્ષા યોજાશે. ત્યારે હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રસી આપવા માટે પણ સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને રસી આપવા અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગતો મગાવવામાં આવી તો છે.
આ પહેલાં શિક્ષણપ્રધાને કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીને તેમની શાળાની નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે એ માટે આ વર્ષે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દરેક પરીક્ષા કેન્દ્રમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવશે.