સરકાર વાસ્તવિકતા બતાવે, આભાસી ચિત્ર નહીં: હાઇકોર્ટ

અમદાવાદઃ રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારે એફિડેવિટમાં દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે હાઈકોર્ટે રૂપાણી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

રાજ્ય સરકારે વિસ્તૃત રીતે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાનો બચાવ કર્યો છે તો દર્દીઓને સારવાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા સરકારે કરી હોવાનો એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેમડેસિવિર અને ઓક્સિજન પ્લાન્ટ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે કોરોનાની બેકાબૂ સ્થિતિ વચ્ચે પણ લૉકડાઉન કે કર્ફ્યુ વિશે કોઇ ઉલ્લેખ નથી. હાઇકોર્ટે લૉકડાઉન અથવા કર્ફ્યુના નિયમો કડક બનાવવા નિર્દેશ આપ્યો હતો.

જોકે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમ જ ઓક્સિજનની અછતને લઈને સરકાર પાસે જવાબ માગ્યા હતા. સરકારને ચોથી મે સુધી તમામ વ્યવસ્થા સાથે જવાબ રજૂ કરવા માટે કોર્ટે કહ્યું હતું.

કોર્ટે કહ્યું હતું કે આ જર્મની કે લંડન નથી, આ ઇન્ડિયા છે અહીં એક દિવસનું જમવાનું જેને ન મળે એને લોકડાઉન સમજાય, લોકડાઉન વિકલ્પ નથી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે સંક્રમણ ફેલાવવામાં આપણે જવાબદાર છીએ. સરકાર નહીં. જનતાએ સેલ્ફ રિસ્ટ્રિક્શન ફોલો કરવાં જોઈએ. છેલ્લે કોર્ટે એટલે સુધી કહ્યું હતું કે કામ વગર બહાર ન નીકળવું જોઈએ. એક સપ્તાહ કમાશો નહીં તો કોઈ ફરક ન પડે લોકોએ પોતાની જવાબદારી સમજવી પડશે. સરકાર જ બધું ન કરે.

તાત્કાલિક સારવારના દર્દીને 108ની પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામામાં કોઈ રજૂઆત ના કરતાં કોર્ટે ટકોર કરી હતી કે હજી પણ હોસ્પિટલ બહાર 40 એમ્બ્યુલન્સ ઊભી રહે છે. અમે આજની પરિસ્થિતિથી હજી ખુશ નથી, એમ હાઈકોર્ટે કહ્યું હતું.