વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસોમા દિન-પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં મહાશિવરાત્રિની ઉજવણી વખતે આશરે બે લાખ લોકો ઊમટી પડ્યા હતા, ત્યારે માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે હું કોઈને આમંત્રણ આપવા ગયો નથી એટલે હું જવાબદાર નથી, પણ મોટા મેળાવડા માટે ભગવાન જવાબદાર છે. પટેલે કહ્યું હતું કે મેં કોઈને આમંત્રણ આપવા ગયું નથી. તો પછી હું આના માટે કઈ રીતે જવાબદાર હોઈ શકું? ભગવાન જ જવાબદાર છે. આ કાર્યક્રમનું આયોજન સત્યમ સુંદરમ સમિતિએ કર્યું હતું.
શિવજી તારણહાર છે અને તેમને ભક્તોની ચિંતા હોય જ. મહાશિવરાત્રિએ શહેરમાં શિવજી પરિવારની નગરયાત્રા નીકળી હતી અને આ વખતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાં સ્વયંભૂ બે લાખ લોકો યાત્રામાં જોડાતાં કોરોનાના સંક્રમણનું જોખમ ઊભુ થયું હતું.
પટેલે એમ પણ જણાવ્યું હતું કે અમને એમ કે સાદાઈથી શિવયાત્રા નીકળી છે તો તેમાં બે-પાંચ હજારથી લોકો વધુ જોડાશે નહીં, પરંતુ અમારી બધી ગણતરી ખોટી પડી હતી,પણ ભગવાન શિવજી પરિવાર સાથે નીકળ્યા હોય ત્યારે તેનો દર્શનનો લહાવો લેવા બધા આવે એમાં કશું ખોટું પણ નથી.
શિવજીની સવારીમાં જનમેદની ઉમટી પડી હતી ત્યારે લોકોના જીવને ખતરામાં મૂકનારા સામે ટીમ રિવોલ્યુશન દ્વારા કોર્ટમાં પિટિશન દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટીમ રિવોલ્યુશનના સેજલ વ્યાસે જણાવ્યું હતું કે શિવજીની સવારીની આયોજન કમિટી મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પાર્ટી પ્રમુખ, પોલીસ કમિશનર, કલેકટર, મ્યુ. કમિશનર, મેયર સહિતના તમામ લોકો વિરુદ્ધ કોર્ટમાં પિટિશન કરવામાં આવશે.