સ્ટાર-પ્લસની સિરિયલ ‘આપ કી નજરોંને સમજા’માં અમદાવાદી-લિપિ

અમદાવાદઃ અમદાવાદી યુવતીને સ્ટાર પ્લસની નવી સિરિયલ ‘આપ કી નજરોંને સમજા’માં ભૂમિકા મળી છે. સ્ટારપ્લસની આ સિરિયલમાં તે જિનલ નામની હાઉસ કેરટેકરની ભૂમિકા ભજવે છે. આ સિરિયલમાં લિપિ પ્રસિદ્ધ કલાકાર પીઢ નારાયણી શાસ્ત્રી (ક્યુકી સાસ ભી કભી બહુથી ફેમ) અને વિજયેન્દ્ર કુમેરિયા (નાગિન-4 અને 5 ફેમ) સાથે જોવા મળશે.અમદાવાદી અભિનેત્રી અને લોકપ્રિય એમસી લિપિ ગોયલે સ્ટાર પ્લસ અને હોટસ્ટાર ઉપર બીજી માર્ચથી શરૂ થયેલી ડ્રામા સિરિયલ ‘આપ કી નજરોંને સમજા’ માં ભૂમિકા મેળવીને તેની સિદ્ધિમાં વધુ એક ઉમેરો કર્યો છે. આ અગાઉ લિપિ કેટલીક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં તથા શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લિપિ જણાવે છે કે “નારાયણી શાસ્ત્રી અને વિજયેન્દ્ર કુમેરિયા જેવા પ્રસિદ્ધ કલાકારો સાથે કામ કરવું એ મારા માટે ઘણી ઉમદા તક છે. હું તેમની પાસેથી ઘણું શીખી છું.”  લિપિએ સુપરહિટ કોમેડી ડ્રામા અને ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’ થી ફિલ્મ-ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને વર્ષ 2017માં બોલીવૂડની મલ્ટિપ્લેક્સ મૂવી ‘સ્વિટી વેડઝ એનઆરઆઇ’ માં પણ ભૂમિકા ભજવી હતી.
માત્ર આઠ વર્ષની કારકિર્દીમાં એવોર્ડવિજેતા એન્કર તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 600થી પણ વધુ શોનું સંચાલન કરી ચૂકેલી લિપિ  ટૂંક સમયમાં ગુજરાતી નવી ફિલ્મ ‘રંગ જો લાગ્યો’ માં પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન કિરણ પટેલ કરી રહ્યા છે.


લિપિએ હિન્દી ટીવી ક્ષેત્રે અનિલ કપૂરની ‘24’ થી પદાર્પણ કર્યું હતું અને પત્રકારની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2019માં લિપિ Zee5 ઉપર રજૂ થયેલી હિન્દી ભાષાની સાયકોલોજિક થ્રિલર ફીલ્મ ‘પોષમ પા’ માં જોવા મળી હતી.
લિપિ એવોર્ડ વિજેતા ‘મુંબઈ બુલેટ’ અને અન્ય શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી અને આ ફિલ્મને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઈ હતી.