ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુની મુદતમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે 17 માર્ચથી 31 માર્ચ સુધી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

ગઈ કાલે લગભગ કેટલાય દિવસો પછી પોઝિટિવ કેસની સંખ્યા વધીને 900ને પાર થઈ હતી જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજી લહેર વેવ શરૂ થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ કર્ફ્યુ રાખવો એ નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની રસી બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. રાજ્ય પાસે હાલપૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રસી આપવા માટે કોઈ અવ્યવસ્થા સર્જાઈ નથી.

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે આઠ વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી હોટેલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી-સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કેસોની સંખ્યા હવે 100ને પાર પહોંચવા આવી છે. સુપરિટેન્ડન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે 91 જેટલા કેસો નોંધાયા છે. જેમાં 60થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661  લોકો સ્ટેબલ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]