5G ટેકનોલોજીના રિસર્ચ, ટેસ્ટિંગ માટે ગણપત-યુનિને સ્પેક્ટ્રમની ફાળવણી

મહેસાણાઃ રાજ્યની યુનિવર્સિટીઓમાંની એક અગ્રણી ગણપત યુનિવર્સિટી ઇનોવેશન અને ઇન્ડસ્ટ્રી સાથેના જોડાણના લીધે જાણીતી છે. યુનિવર્સિટીને કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા 5G ટેકનોલોજી રિસર્ચ અને ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમની ફાળવણી થઈ છે. ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી શકાય અને તેમને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરી શકાય તેવા ધ્યેય સાથે કાર્યરત ગણપત યુનિવર્સિટી વિવિધ સેન્ટર ઓફ એક્સેલેન્સ દ્વારા ખૂબ નામનાપાત્ર બની છે.

યુનિવર્સિટીના દ્રષ્ટિવંત પ્રમુખ પદ્મશ્રી ડો. ગણપતભાઈ પટેલના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીમાં ‘એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર ફોર નેક્સ્ટ જનરેશન નેટવર્ક’ની સ્થાપના કરવામાં આવી છે. આ માટે યુનિવર્સિટી દ્વારા અમેરિકાની એક 5G ટેકનોલોજી ક્ષેત્રે ખ્યાતનામ કંપની સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ કંપનીના સહયોગથી ભવિષ્યની 5G ટેકનોલોજીમાં ઉપયોગી એવા અતિ મહત્વના મોબાઇલ વાયરલેસ બેકહોલ ઈક્વિપમેન્ટ્સ-યંત્રો યુનિવર્સિટીને પ્રાપ્ત થયા છે.

યુનિવર્સિટીના પ્રમુખ ગણપતભાઈ પટેલ યુનિવર્સિટીના વિકાસ અને વિદ્યાર્થીઓમાં મૂલ્યનિષ્ઠ અને ઉત્તમ ટેકનિકલ શિક્ષણ પૂરું પાડવા કાર્યરત છે. તેમના પ્રયાસોથી આજે ગણપત યુનિવર્સિટીને કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા 5G ટેકનોલોજી રિસર્ચ અને ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી છે.

આ સેન્ટર હેઠળ યુનિવર્સિટી 5G મોબાઇલ તેમજ ઇન્ટરનેટ ટેકનોલોજીને લગતા નવીન અભ્યાસક્રમો પોતાના વર્તમાન અભ્યાસક્રમોમાં ઉમેરશે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના સ્કિલ ડેવલપમેન્ટ માટે વિવિધ સેમિનાર અને વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. આધુનિક લેબોરેટરી સેટ-અપ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ટેકનિશિયન્સ અને એન્જિનિયરોને પણ ટ્રેનિંગ આપવાનું કામ કરવામાં આવશે.  આ સેન્ટર હેઠળ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા વિવિધ ઉપયોગી ટેસ્ટિંગ અને રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા ઇન્ડસ્ટ્રીને અને સરકારના ટેલિકોમ વિભાગને ઉપયોગી એવી માહિતી એકઠી કરવામાં આવશે યુનિવર્સિટીમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ અને એન્જિનિયરો 5G માટે સંપૂર્ણપણે તૈયાર હશે અને આ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ છે.