સરકાર પેટ્રોલ-ડિઝલ-ATF-ગેસને જીએસટી અંતર્ગત લાવશે? સીતારામને કહ્યું-‘ના’

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં એક લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે ક્રૂડ તેલ, પેટ્રોલ, ડિઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને નેચરલ ગેસને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના દાયરા હેઠળ લાવવાની કોઈ દરખાસ્ત નથી. હજી સુધી જીએસટી કાઉન્સિલ તરફથી આ માટે કોઈ ભલામણ કરવામાં આવી નથી. જીએસટી કાઉન્સિલમાં રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ હોય છે, એમ સીતારામને કહ્યું.

નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે એ પહેલાં જણાવ્યું હતું કે તાજેતરના અઠવાડિયાઓમાં દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત ખૂબ વધી ગઈ છે તો આ બંને ઈંધણ પરના વેરાઓ ઘટાડવા વિશે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિચારવું જોઈએ.

લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ઠાકુરે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના દાયરા હેઠળ લાવવાના મુદ્દે ચર્ચા કરવા સરકાર તૈયાર છે. રાજ્ય સરકારોએ પણ તે વિશે વિચારવું જોઈએ. રાજ્ય સરકારોએ પેટ્રોલ પરના વેરા ઘટાડવા જોઈએ, અમે (કેન્દ્ર સરકાર) પણ પેટ્રોલ પરનો વેરો ઘટાડવાની કોશિશ કરીશું. (કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વસૂલ કરે છે જ્યારે રાજ્યો વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) વસૂલ કરે છે).