ભારતીય રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરાયઃ ગોયલ

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે લોકસભામાં ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય રેલવેનું ક્યારેય ખાનગીકરણ નહીં કરાય, પરંતુ તેમણે વધુમાં એમ કહ્યું કે રેલવેની કામગીરીઓને વધારે કાર્યક્ષમ બનાવવા માટે ખાનગી ક્ષેત્ર તરફથી મૂડીરોકાણ મળે એને ઉત્તેજન આપવું જોઈએ.

રેલવે વહીવટીતંત્ર માટે ગ્રાન્ટ્સની માગણીઓ પરની ચર્ચામાં જવાબ આપતાં ગોયલે કહ્યું કે, દેશ તો જ પ્રગતિ કરી શકે જો વિકાસદર ઊંચો હોય અને રોજગારની વધારે તકોનું નિર્માણ કરાય. આ બધું તો શક્ય બની શકે જો જાહેર અને ખાનગી ક્ષેત્રો સાથે મળીને કામ કરે. ભારતીય રેલવેનું ખાનગીકરણ ક્યારેય નહીં કરાય. આ પ્રત્યેક ભારતીયની પ્રોપર્ટી છે અને કાયમ રહેશે. રેલવે ભારત સરકારને હસ્તક જ રહેશે.