ગુજરાતમાં વધુ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ

ગુજરાતમાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. મા દુર્ગાના પાવન પર્વ પર વડોદરામાં ત્રણ નરધમોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. જેના પર વડોદરા પોલીસે નરાધમોના કોર્ટમાં રિમાર્ડ પણ મંજૂર કરાવ્યા છે. ત્યારે બીજી બાજુ મહિલાઓ અને યુવતીઓ મોડે સુધી ઘરની બહાર ગરબે રમવા નિકળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ પણ આપવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે ગત 15 દિવસમાં 8થી વધુ બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના વિસ્તારમાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને મળવા ગઇ હતી હતી, આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી ગયા હતા. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં કોસંબાની પોલીસ ટીમ, સુરત ગ્રામ્ય Dy.SP, LCB, SOG, પેરોલ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ રેન્જ IG અને SPએ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની માહિતી મેળવી હતી. આ બનાવની તપાસ માટે 10થી વધારે ટીમ કામે લાગી છે. પોલીસે સગીરા સાથે હાજર યુવકને ઘટનાસ્થળે લઈ જઈને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ આ ઘટનામાં ગઈકાલે રાત્રિથી જ સઘન તપાસ કરી રહી છે. પોલીસને શંકાસ્પદ બાઈક મળી છે તેના આધારે 2 આરોપીની ઓળખ પણ કરી લીધી છે. આ 2 આરોપી પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને તેને પણ પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.