ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને મોકૂફ રાખવા માટે ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માગ કરી રહ્યો હતો. જેથી ચૂંટણી પંચ દ્વારા હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય એ માટે ચૂંટણી પંચને ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા માટે અપીલ કરી હતી. આ ચૂંટણી 18 એપ્રિલે યોજાવાની હતી.
આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
આ પહેલાં ચૂંટણી યોજાય તો ચૂંટણીની કામગીરીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને અધિકારીઓએ જોડાવું પડે તેમ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના વધારે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે વિશાળ જનહિતમાં ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણયલીધો હતો.