વડોદરાઃ શહેરની મકરપુરા ઔદ્યોગિક વસાહતમાં કેન્ટોન લેબોરેટેરીઝ નામની કંપનીમાં બોઇલર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી કંપનીમાં આગ પણ લાગી હતી, જેમાં માતા-પુત્ર સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત કંપનીમાં બોઇલર ફાટવા પાછળનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. આ દુર્ઘટનામાં ફેક્ટરીની નજીક જ રહેતા મજૂર પરિવારના બાળકોને પણ ઇજા થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વડોદરાના મકરપુરા GIDCમાં કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી એ પૂર્વે મોટ ધડાકો થયો હતો. કંપનીમાં બોઇલર બ્લાસ્ટ ફાટ્યું ત્યારે ભૂકંપ જેવા આંચકો અનુભવવાયો હતો. આ વિસ્ફોટને લીધે નજીકનાં મકાનો અને ઓફિસોના કાચ પણ તૂટી ગયા હતા. કેટલાંક મકાનોમાં તિરાડો પણ પડી હોવાનું જાણવા મળ્યું છે.
કેન્ટોન લેબોરેટરીઝની બાજુમાં આવેલી કંપનીના માલિક મણિભાઈ પંચાલે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, મને છાતીમાં ગભરામણ થવા લાગી હતી.
સ્થાનિક તંત્ર અને ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી હતી. પીડિત પરિવારોએ સરકાર પાસે ન્યાયની સાથે વળતરની પણ માગ કરી છે. કેમિકલ કંપનીમાં ફાયર સેફ્ટી અને સાધનો નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.