શહેરમાં 1351 મકાનો પાસે ફાયર NOC નથીઃ AMC

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં કોર્પોરેશને કહ્યું હતું કે 20 ડિસેમ્બર સુધીમાં 1351 રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ અને 444 રેસિડેન્શિયલ-કમ- કોમર્શિયલ બિલ્ડિંગ્સ પાસે ફાયર સેફ્ટી NOC  નથી. કોર્પોરેશનને કહ્યું હતું કે માર્ચથી 20 ડિસેમ્બર સુધીમાં 203 બિલ્ડિંગ્સમાં 3173 યુનિટોને સીલ કર્યા છે, કેમ કે આ યુનિટો પાસે બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન નહોતી. આ મામલે હાઈકોર્ટે ગુરુવારે સુનાવણી કરે એવી શક્યતા નથી.

કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇન-ચાર્જ રાજેશ ભટ્ટે  અને કોર્પોરેશનના BUપરમિશન આપતા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર રાજ્શ પટેલે ફાયર NOC મુદ્દે આ હાઈકોર્ટમાં આ એફિડેવિટ નોંધાવ્યું હતું.

હાઈકોર્ટમાં વકીલ અમિત પંચાલે શહેરમાં ઊંચી ઇમારતો, હોસ્પિટલો અને સ્કૂલોમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન મુદ્દે કરેલી અરજીના સંદર્ભમાં કોર્પોરેશને આ એફિડેવિટ કર્યું હતું.

ફાયર વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવેલા આંકડા મુજબ બધી હોસ્પિટલો અને ક્લિનિકોએ કોર્પોરેશન પાસેથી ફાયર NOC લઈ લીધું છે, પણ 49 સ્કૂલોએ આવી કામગીરી નથી કરી. શહેરમાં 171 હોસ્પિટલો અને 2474 સ્કૂલો છે. કોર્પોરેશને કોર્ટને જાણ કરી હતી કે કોર્પોરેશન ગેરકાયદે બાંધકામ હેઠળ બિલ્ડિંગોની ઓળખ કરવાનું હવે શરૂ કર્યું છે.