સંકટ ટાણે અબોલ જીવોની સંભાળ

અમદાવાદઃ કોરોના વાયરસની ભયાનકતાથી મનુષ્ય ડરી ગયો છે. લોક ડાઉન, કરફ્યુ, કોરોન્ટાઇન જેવા શબ્દોથી માણસને મકાનમાં પુરી રખાય. પણ પશુ-પક્ષીઓનું શું? અત્યારે સ્થિતિ એ છે કે પ્રકૃતિને જેણે ખૂબ હાની પહોંચાડીને સિમિત કરી દીધી હતી તેવો મનુષ્ય આજે ઘરમાં કેદ છે અને પકૃતિ પોતાની સોળેય કળાએ ખીલી શકે તેવી રીતે મુક્ત બની ગઈ છે.

પણ પશુ , પક્ષીઓ આ મહામારી કે આફતથી અજાણ છે. માનવ વસ્તીમાં રહેતા, માણસ પર જ આધારિત પશુ, પક્ષીઓ અને બીજા અબોલ જીવો સમય થાય ત્યારે ખોરાક પાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. કેટલાક અબોલ જીવો પાણી, ખોરાક માટે અહીંથી તહીં વલખાં મારતાં નજરે પડે છે.

આ તમામ અબોલ જીવોની આશ કેટલાક જીવદયા પ્રેમીઓ પુરી કરતા હોય છે. કોરોના મહામારીમાં ભેંકાર ભાસતું નગર અને રસ્તા ઓ પર કેટલાક પરોપકારી લોકો પક્ષીઓને દાણા- પાત્રોમાં પાણી ભરે છે. ગાયોને ઘાસચારો અને શેરી, મહોલ્લા, માર્ગો પર રખડતા કુતરાને ભરપેટ ખોરાક પુરો પાડવાનું ચુકતા નથી. કેટલાક માણસો મુંગા પશુ પક્ષીઓને ખવડાવવામાં પૂણ્ય સમજે છે, તો કેટલાક ફરજ સમજી ઉમદા કાર્ય કરે છે.

-પ્રજ્ઞેશ વ્યાસ