રાજકોટ – આ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામમાં ગઈ કાલે રાતે એક રાષ્ટ્રકથા શિબિર વખતે આરામ ગૃહ મંડપમાં ભયાનક આગ ફાટી નીકળતાં ત્રણ બાળકીનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે અને બીજી 15 બાળકીઓ ઘાયલ થઈ છે.
આ દુર્ઘટના સ્વામી ધર્મબંધુજીની શિબિરમાં લાગી હતી.
ભોગ બનેલી બાળકીઓ વિદ્યાર્થિનીઓ છે.
ઘટનાસ્થળે સીમા સુરક્ષા દળના જવાનો હાજર હતાં અને એમણે તરત જ બચાવ કામગીરી કરી અન્ય બાળકીઓને બચાવી લીધી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ તરત જ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગની ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર ત્યાં દોડી ગયા હતા. સ્વામી ધર્મબંધુજી, રાજકોટ કલેકટર વિક્રાંત પાંડે અને પોલીસ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રાસલામાં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટરને આદેશો આપ્યા છે.. મુખ્યપ્રધાને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરીજનોને મુખ્યમંત્રી રાહતનિધિ માંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે..તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ને બચાવ અને મદદ માટે સતર્ક કર્યું હતું અને વિગતવાર માહિતી મેળવી હતી.
રેપિડ એક્શન ફોર્સના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને રાહત અને બચાવ કામગીરી કરી હતી.