સૂરતમાં આર્ટ ક્લાસીસમાં આગઃ 19 વિદ્યાર્થીઓનાં મોત, મૃતકાંક વધવાની ભીતિ

સૂરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં બપોરે ચાર વાગે લાગેલી આગે શહેરમાં હાહાકાર વરતાવ્યો છે. આગ લાગવાના કારણે ત્યાં ક્લાસીસ એટેન્ડ કરી રહેલાં 30થી 35 લોકો ફસાયાં હતાં જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતાં.આ ઘટનામાં કુલ 19 વિદ્યાર્થીના મૃતદેહ હોસ્પિટલ પહોંચી ચૂક્યાં છે, અને મૃતકાંક વધવાની સંભાવના છે.

આગ લાગતાં ઉપરના માળેથી બાર વિદ્યાર્થીઓએ નીચે પડતું મૂક્યું હતું. તેમાં આ લખાય છે ત્યાં સુધીમાં નીચે પડનારા વિદ્યાર્થીઓમાંથી 4ના મોત નીપજ્યાં હોવાના પ્રારંભિક સમાચાર છે જ્યારે આગમાં ભડથું થઈ જવાની મરણ પામનારાં વિદ્યાર્થીઓની ડેડબોડી આ લખાય છે ત્યાં સુધીમાં બહાર કાઢવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓએ બીજા માળેથી પડતું મૂકતા તેમને ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જુદીજુદી હોસ્પિટલ્સમાં દાખલ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યાં છે. તો ઘટનાની જાણ થતા જ અનેક રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટનામાં આગગ્રસ્ત બિલ્ડિંગમાં ફાયર વિભાગની કામગીરી ચાલુ છે ત્યારે હજુ વધુ મૃતદેહ અથવા ઘાયલ બહાર લાવવામાં આવે તેવી સંભાવના છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને સુરતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તો ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે. મુખ્યપ્રધાને આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સૂચના આપી છે.

મુખ્યપ્રધાને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચ્યાં હતાં, અને આગ ઓલવવાની કામગીરી શરુ કરી હતી.. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે. જો કે હજી એપાર્ટમેન્ટની અગાસી પર 10 થી 12 જેટલાં લોકો ફસાયા હોય તેવી શક્યતા છે. આ લોકોને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]