ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારનું પ્રથમ પેપરલેસ બજેટ વિધાનસભામાં આજે રજૂ થઈ રહ્યું છે. નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ આપીને નવમી વખત બજેટ રજૂ કરવાનો તેમનો રેકોર્ડ બનાવ્યો છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં 40 ટકાનો ઘટાડો થવાને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે.
ગયા વર્ષે કુલ રૂપિયા 2.17 લાખ કરોડના કદ ધરાવતું બજેટ રજૂ થયું હતું. આ વખતના બજેટમાં કોરોનાની ઇફેક્ટ જોવા મળશે. આ વખતના બજેટમાં ભારત સરકારની યોજનાઓને અનુકૂળ યોજનાઓની જાહેરાત કરવામાં આવશે. એ વાત નિશ્ચિત છે.
નાણાપ્રધાન આ વખતે બજેટમાં આરોગ્ય, રોજગારી, ખેડૂતો પર વધુ ફોકસ કરે એવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ ભાજપને જંગી બહુમતથી અપાવી છે ત્યારે સરકાર પ્રજાને શું આપે છે તેના પર સૌની નજર છે આગામી વર્ષના આયોજન રોજગારીની નવી તકો ગ્રામીણ અર્થતંત્રને બેઠું કરવા વર્તમાન યોજનાઓનો વિસ્તાર વધારવો વગેરે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો ભૂતપૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાને નામે છે તેમણે ગુજરાત વિધાનસભાગૃહમાં 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.
મોબાઇલ એપ્લિકેશન પર લાઇવ બજેટ
ગુજરાત સરકાર આ વખતે ડિજિટલ પ્લેટફોર્મ પર બજેટ રજ કરશે, જે માટે સરકારે મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી છે. સામાન્ય નાગરિક પણ આ બજેટ એપ્લિકેશન પર બજેટ જોઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પેપરલેસ બજેટનો રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે.