ગણપત યુનિવર્સિટીમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઊજવાયો

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કોલેજ મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા 28 ફેબ્રુઆરીએ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિજ્ઞાન ગુર્જરી સંસ્થા દ્વારા સહયોગી બની હતી. નોબલ પ્રાઇઝવિજેતા મહાન વૈજ્ઞાનિક સી.વી. રામનના સન્માનમાં આ દિવસની ઉજવણીને રમન ઇફેક્ટ સાથે સાંકળતાં યુનિવર્સિટીમાં બે દિવસ કરવામાં આવી હતી. જોકે એક દિવસ ઓફલાઇન અને બીજા દિવસે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ આ ઉજવણીને જીએનયુ સાયટેક-ફેસ્ટઃ 2021 નામ આપ્યું હતું, જેમાં રાજ્યના 400થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

સાયન્સ-ડેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી માટે પ્રતિ વર્ષે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા એક થીમ જાહેર કરવામાં આવે છે. અને એ પરંપરા અનુસાર થીમ ‘ફ્યુચર ઓફ એસ.ટી.આઇ.: ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન’, ‘સ્કિલ એન્ડ વર્ક’ રાખવામાં આવી હતી. આમાં STI એટલે સાયન્સ, ટેક્નોલોજી અને ઇનોવેશન.

યુનિવર્સિટી દ્વારા સાયન્સ-ડેની ઉજવણીમાં પ્રથમ દિવસે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોડેલ્સ, પોસ્ટર, રંગોળી, ક્વિઝ અને વક્તૃત્વ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે ઓનલાઇન લેક્ચર ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વ્યાખ્યાતા તરીકે PRL-ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી-અમદાવાદના વૈજ્ઞાનિક ડો. એ. કે. સિંઘવીએ લેક્ચર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના વિકાસમાં સ્વદેશી વિજ્ઞાન, નીતિ અને મૂલ્યોના મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્ઞાનને તો માનવતા સાથે-માનવ કલ્યાણ સાથે સંબંધ છે.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનેલા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યા હતા.

આ વિજ્ઞાન-ડેની ઉજવણીમાં યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન ડો. એસ. એસ. પંચોલી, રિસર્ચ ડિરેક્ટર ડો. અજય ગુપ્તા, કોલેજના આચાર્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખ સહિત અને પ્રોફેસરો અને વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.