રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે વકરતો રોગચાળોઃ બેનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં વાદળછાયા વાતાવરણને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માઝા મૂકી છે. ગયા મહિના સુધીમાં અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત વિવિધ પ્રકારનાં તાવના ૫૦,000થી વધુ દર્દી નોંધાયા છે. અમદાવાદમાં પણ પાણીજન્ય રોગના કેસોમાં ખાસ્સો વધારો થયો છે. અમદાવાદમાં હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ડબલ સીઝનને રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યા છે. શહેરમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા છે. તો મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.

સૂત્રોએ કહ્યું હતું કે શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુની સાથે સાથે ઝેરી મેલેરિયા તથા ચિકનગુનિયાનો તાવ લાવતાં મચ્છરોની પણ ઉત્પત્તિ થઈ છે. મ્યુનિ.ના સાત ઝોનમાં ખાસ કરીને છેવાડાનાં વિસ્તારોમાં ડેન્ગ્યુ તથા મેલેરિયા અને વાયરલ ફીવરના ૫૦,000થી વધુ દર્દીઓ હોવાનું એટલા માટે માનવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટરોમાં તાવ આવ્યો હોવાની ફરિયાદ લઇ આવનારા લોકોનાં ૫૦,000થી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આરોગ્ય ખાતાનાં સૂત્રોએ માહિતી આપતાં કહ્યું હતું કે વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોના વેચાણમાં થયેલા વધારાના કારણે સપ્ટેમ્બર મહિનામાં ટાઇફોઇડ તેમ જ કોલેરાના કેસોમાં ઉછાળો આવ્યો છે.

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો

રાજકોટમાં પણ મેલેરિયાના 25, ડેન્ગ્યુના 96 અને ચિકનગુનિયાના 42 કેસો નોંધાયા છે. આ સાથે શરદી, ઉધરસના છેલ્લા એક સપ્તાહમાં 479 કેસો નોંધાયા છે, જ્યારે તાવના 42 કેસો અને ઝાડા-ઊલટીના 164 કેસો નોંધાયા છે.

 સુરતમાં દર્દીઓની સંખ્યામાં વધારો

સુરતમાં જુદી-જુદી બીમારીઓના દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આજે વધુ બે દર્દીઓનાં મોત થયાં છે. ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને અન્ય બીમારીઓના દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. અત્યાર સુધી કુલ 42 દર્દીઓનાં મોત થયાં છે.

 

 

 

 

 

​​​​​​​

 

​​​​​​​