કેલોરેક્સ સ્કૂલમાં નમાજનો વિવાદ વકરતાં શાળાએ માફી માગી

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢાવ્યાનો વિડિયો વાઇરલ થયા બાદ વિવાદ થયો છે. વિદ્યાર્થીઓનાં માતાપિતા અને હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો હતો છે. એબીવીપીનાં કાર્યકરોએ શાળાના શિક્ષકને માર પણ માર્યો છે. આ આખા વિવાદ બાદ શાળાના પ્રિન્સિપાલે માફી પણ માગી છે.

કેલોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનોએ સ્કૂલે પહોંચીને પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હતી. ત્યાર બાદ સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી, જેમાં જણાવ્યું હતું કે નમાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્ષ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં. જોકે મામલો બગડ્યો હતો અને ટોળાએ ‘જય શ્રીરામ’ના નારા બોલી મ્યુઝિક શિક્ષકને દોડાવી-દોડાવીને માર માર્યો હતો, જે દ્રશ્યો વિડિયોમાં કેદ થયાં છે. આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસની ટીમે સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ વિવાદ વધતાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી છે, જેમાં જણાવ્યું છે કે આપની શાળાનો વાઇરલ થયેલા વિડિયોમાં જે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા બાળકોના માનસ પર વિપરીત અસર થઈ શકે છે, જે બદલ આપ શું કહેવા માગો છો? એ અંગેનો લેખિત ખુલાસો આપશો.

આ બાબતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે ધાર્મિક શિક્ષણ પર નહીં, પરંતુ હકીકતમાં જે શિક્ષણ આપવાનું હોય એના પર ધ્યાન આપો. ડીઈઓ સાથે ચર્ચા કરી છે કે જે કાર્યવાહી કરવાની થાય એ કરો.