80 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી છૂટી ગુજરાત પાછા ફર્યા; સ્વજનો સાથે પુનર્મિલન

વડોદરાઃ દિવાળી તહેવારને લક્ષમાં રાખીને પાકિસ્તાનના કરાચીની એક જેલમાંથી મુક્ત કરવામાં આવેલા 80 ભારતીય માછીમારો ટ્રેન દ્વારા આજે અહીં આવી પહોંચ્યા હતા. ત્યાંથી એમને બસ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓ દિવાળીના જ સપરમા દિવસે એમના પરિવારજનોને ફરી મળ્યા હતા.

આ માછીમારોને પાકિસ્તાની સત્તાવાળાઓએ ગયા ગુરુવારે જેલમાંથી છોડી મૂક્યા હતા અને શુક્રવારે પંજાબમાં અટારી-વાઘા સરહદ ખાતે ભારત અને ગુજરાત સરકારોના મત્સ્યોદ્યોગ મંત્રાલયના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા. આ માછીમારો 2020ની સાલમાં જુદા જુદા સમયે ગુજરાતના સમુદ્રકાંઠેથી દરિયામાં દૂર માછલી પકડવા ગયા હતા, પરંતુ પાકિસ્તાનની જળસીમાની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી જતાં પાકિસ્તાની મેરિટાઈમ દળના જવાનોએ એમને પકડી લીધા હતા. એમને સ્થાનિક પોલીસતંત્રને સોંપી દેવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ જેલમાં હતા. છોડી મૂકવામાં આવેલા 80 માછીમારોમાં 59 ગીર સોમનાથ જિલ્લાના, 15 દેવભૂમિ દ્વારકાના, બે જામનગરના, એક અમરેલી જિલ્લાનો છે. ત્રણ માછીમાર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના છે. પાકિસ્તાનની જેલમાં હજી 200 જેટલા ભારતીય માછીમારો છે.