અમદાવાદઃ શહેરમાં થલતેજના હેબતપુરમાં લૂંટના ઇરાદે બે સિનિયર સિટિઝન દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. થલેતજની શાંતિ પેલેસ સોસાયટીમાં એક વૃદ્ધ દંપતીનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે સવારથી ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. મૃતક દંપતીની ઓળખ અશોક પટેલ (71) અને જ્યોત્સના પટેલ (71) તરીકે થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ થલતેજ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસ બંગલોઝમાં શુક્રવારે સવારે 8થી 9 વાગ્યા વચ્ચે સિનિયર સિટિઝન દંપતીના અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબહેન અશોકભાઈ પટેલની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈનો મૃતદેહ બેડરૂમમાંથી તો જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પરથી મળી આવ્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ અ ધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખસોએ હત્યા કરી હોવાની આશંકા છે. દંપતીની હત્યાના સમાચાર મળતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દંપતીનો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે અને તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.
વેજલપુરમાં 80 વર્ષીય વૃદ્ધાની હત્યાનો બનાવ
અમદાવાદના વેજલપુરમાં પણ 80 વર્ષની વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન ગુજારતાં વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયાં ન હતાં, જેથી ભાડૂઆતે તપાસ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી. આ વૃદ્ધાના મૃતદેહ પરથી ઘરેણાં પણ ગાયબ હતાં. એવું માનવામાં આવે છે કે અંગત અદાવત અથવા પારિવારિક સંબંધોમાં ખટરાગને લઈ હત્યા કરવામાં આવી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.