રહેવા માટે દેશમાં ઉત્તમ-શહેરોઃ ટોપ-10માં અમદાવાદ ત્રીજે

નવી દિલ્હીઃ દેશમાં 10 લાખ કરતાં વધુ વસતિવાળાં શહેરોમાં રહેવા માટે બેંગલુરુ સૌથી બેસ્ટ શહેર બન્યું છે. જ્યારે 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરોમાં શિમલા ટોપ પર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે ઈઝ ઓફ લિવિંગ રેંકિંગ-2020 જાહેર કર્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી પ્રધાન હરદીપ સિંહ પુરીએ અહેવાલ  જારી કર્યો છે. આ ‘ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ’માં રહેવાની દ્રષ્ટિએ દેશનાં સૌથી ઉત્તમ શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે આવ્યું છે. સુરત પાંચમા અને વડોદરા આઠમા ક્રમ પર છે.

દેશનાં 111 શહેરનો સર્વે કરાયો

દેશમાં રહેવા માટે બેસ્ટ શહેરોના રેન્કિંગમાં 111 શહેરોનો સર્વે કરવામાં આવ્યો. શહેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. પહેલી, કેટેગરીમાં એ શહેર જોડાયાં જેમની વસતિ 10 લાખ કરતાં વધુ હતી, જ્યારે બીજી કેટેગરીમાં એ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં 10 લાખ કરતાં ઓછી વસતિ હતી.

વળી, દેશની ટોપ મ્યુનિસિપાલિટીઝમાં ગુજરાતનાં ત્રણ શહેરો સામેલ થયાં છે. કેન્દ્ર સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે. દેશમાં ટોપ પર ઇન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચિંચવાડ, પાંચમા સ્થાને પુણે, સાતમા સ્થાને રાયપુર, આઠમા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમ છે.

 આ માટે જરૂરી માપદંડો

સરકાર શહેરી વિકાસ પર ખર્ચનું નિર્ધારણ પણ આ યાદીને પ્રાથમિકતામાં રાખીને જ કરે છે. પ્રથમ વખત 2018માં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. આ યાદી સરકાર, ઓળખ અને સંસ્કૃતિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, અર્થતંત્ર, સસ્તા રહેણાંક, ભૂમિ યોજના, પાર્ક, પરિવહન, જળ પુરવઠો, કચરાની વ્યવસ્થા અને પર્યાવરણની ગુણવત્તા જેવા 15 માપદંડોના આધારે તૈયાર કરવામાં આવે છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]