કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ..

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા 54 શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ધોરડોએ G20 ની ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કર્યું હતું. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ એના ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોની 2023ની યાદી જાહેર કરી છે. વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને એમની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.

વડાપ્રધાનનું સપનું થયું સાકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધોરડોને વિશ્વના નકશા પર લાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. શિયાળામાં, સફેદ મીઠાને કારણે, રણમાં વસેલું આ ગામ અદ્ભુત સફેદી મેળવે છે. આ ગામની સુંદરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયા સમક્ષ દર્શાવી હતી અને હવે આ ગામને વિશ્વ મંચ પર ચમકવાનો મોકો મળ્યો છે. ગુજરાત સરકાર દર વર્ષે અહીં રણ ઉત્સવનું આયોજન કરે છે. જો કે પહેલા ધોરડો ગામનું નામ પણ લોકો જાણતા ન હતા.

ધોરડો પ્રવાસન સ્થળ શું છે

ધોરડો એ થોડા ઘરોની વસ્તી ધરાવતું નાનકડું ગામ હતું. જેની ગુજરાતના લોકોને પણ ખબર ન હતી. વર્ષોથી અજાણ્યું ગામ એવા ધોરડોને રણ ઉત્સવ દ્વારા ઓળખ મળી.  કચ્છ જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું બન્ની પ્રદેશનું છેલ્લું ગામ એટલે ધોરડો. રણ ઉત્સવ પછી આ ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી થવા લાગી અને ધીમે-ધીમે ગુજરાતના વિકાસનો ચહેરો બની ગયો.  આ ગામમાં હજુ પણ પરંપરાગત ભૂંગા (ગોળાકાર મકાનો) છે. જે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે

ધોરડો વિશ્વના નકશા પર ચમકવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. સાથે જ સમાન શ્રેય ગામના ગુલબેગ મિયાંને પણ જાય છે. ગુલબેગ મિયાં એ જ વ્યક્તિ છે જેમણે ગામમાં રણ ઉત્સવનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને એમના પુત્ર મિયાં હુસૈને એમના પિતાની ઇચ્છા નરેન્દ્ર મોદીને જણાવી હતી. નરેન્દ્ર મોદીએ ગુલબેગ મિયાંના સૂચનનો અમલ કર્યો અને ધોરડો ગામ નવી યાત્રાએ નીકળ્યું. આજે ગામમાં ગુલબેગ મિયાંનું સ્મારક છે. એમના પુત્ર મિયાં હુસૈન આ ગામના સરપંચ છે. ગામના લોકો આજે પણ ગુલબેગ મિયાંનો આભાર માને છે. હવે ગામ અતિથિ દેવો ભવની ગુજરાત પરંપરાનું નેતૃત્વ કરે છે.

..અને શરૂ થયો રણ ઉત્સવ

ગુલબેગ મિયાંએ ત્રણ દાયકા પહેલા આ ફેસ્ટિવલના આયોજન માટે પ્રયાસો શરૂ કર્યા હતા. 90ના દાયકામાં નાના પાયે દિવસભર ઉત્સવ થતો હતો, 2008માં તંબુઓમાં ઉત્સવ શરૂ થયો હતો. ગુલબેગ મિયાંનું 1999માં અવસાન થયું, પરંતુ એમનું સપનું પૂરું થયું. હવે એમના પુત્ર મિયાં હુસૈન સ્વદેશી કળાને પ્રોત્સાહન આપવાનું નેતૃત્વ કરી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનાં વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકે જાહેર કરીને આ ગામે મોટી છલાંગ લગાવી છે. આ ગામની વસ્તી હજુ પણ 1000થી ઓછી છે. રન ઉત્સવના આયોજન માટે અહીં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રવાસીઓ શિયાળાની ઋતુમાં કચ્છના રણમાં ફેલાયેલા સફેદ મીઠાની મજા માણી રહ્યા છે. તાજેતરમાં, સરકારે અહીં G20 પ્રવાસન બેઠકનું આયોજન કર્યું હતું.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ