અમદાવાદઃ શહેરમાં કોરોના વાઈરસના કેસ ધરખમપણે વધી જતાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદની બેઠક બોલાવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ ખાતે કોરોના પરીક્ષણ માટે આવેલા અડધા ભાગનાં લોકોનો કોરોના વાઈરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
નીતિન પટેલ રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન પણ છે. એમણે આજે સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા (રીવ્યૂ) બેઠક યોજી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસની સંખ્યા 1000 થી 1200 આસપાસ પહોંચી પહોંચી છે.
કેસો વધી જતાં અમદાવાદમાં શું ફરી પાછું લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી નાગરિકોને ચિંતા પેઠી છે. જોકે નીતિન પટેલે જણાવ્યું છે કે લોકડાઉન લાગુ નહીં કરાય, પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારવામાં આવશે. પટેલે સ્વીકાર્યું હતું કે દિવાળીમાં બજારમાં લોકો બહાર નીકળતા કોરોના સંક્રમણ વધ્યું છે.