વડોદરામાં ટેમ્પો-ડમ્પર અથડાયાઃ 11નાં મોત, 18 ઘાયલ

અમદાવાદઃ વડોદરાના નેશનલ હાઇવે પરની વાઘોડિયા ચોકડી પાસે આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કમસે કમ 11 યાત્રીઓનાં મોત થયાં છે અને 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે અધિકારીઓને ઝડપી કામગીરી માટે સૂચના આપી છે તેમ જ ઘાયલ થયેલા લોકોને ત્વરિત સારવાર આપવા માટે સૂચના આપી હતી.

સુરતનો આહીર પરિવારને નડ્યો અકસ્માત 
વડોદરાના ડીસીપી ઝોન-3 કર્ણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આઇસર ટેમ્પોના ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહિર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીનાં દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઇસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. આ અકસ્માતમાં પરિવારના 11 લોકોના મોત થયાં છે, જેમાં પાંચ મહિલા, ત્રણ પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે.

 

ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ

આઇસર ટેમ્પોમાં સવાર 17 જેટલા યાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગે રેસ્ક્યૂની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી. તો ઘવાયેલા યાત્રીઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં જ એડિશનલ સીપી, કલેક્ટર અને એસડીએમ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તો એસએસજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક હોસ્પિટલમાં હાજર રહ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સુરતમાં રહેતા આહિર સમાજના લોકો દોડી આવ્યા હતા. વડોદરામાં રહેતા સમાજના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. જેથી મૃતકો અને ઈજાગ્રસ્તોને ઓળખ કરવામાં મદદ થઈ હતી.