ઐઠોરમાં 47 હેક્ટરમાં ઔદ્યોગિક વસાહત શરુ, અપાશે રાહતદરે પ્લોટ

ગાંધીનગર: ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ઊંઝા તાલુકામાં ઐઠોર ખાતે ઔદ્યોગિક વસાહતનું નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્ર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજ્યમાં નાના-નાના ગામમાં ઔદ્યોગિક વસાહતના નિર્માણથી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થયું છે. ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા બહુમાળી શેડ,મહિલા ઔધોગિક પાર્ક,એપરલ પાર્ક સહિતના નવીન પાર્કોના નિર્માણથી ઉદ્યોગનો વિકાસ થયો છે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, ઔદ્યોગિક નીતિના પગલે રાજ્યમાં રોજગારીનું સર્જન થયું છે.47 હેકટરમાં ઐઠોર ખાતે વસાહતના નિર્માણ થકી  સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારોને રાહતદરે પ્લોટ મળનાર છે.તેમણે ઉમેર્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતમાં રૂ.1,66,000 કરોડનું મુડી રોકાણ થયું છે જેનાથી સીધી અને પુરક રોજગારી પ્રાપ્ત થનાર છે.

રાજ્યનું અર્થતંત્ર ખેતી અને ઉધોગ પર આધારીત છે. જેથી આ બંનેનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કટિબદ્ધ બની છે.રાજ્યમાં માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી વિકાસની ગતિ તેજ બની છે. મહેસાણા-પાલનપુર રસ્તો છ માર્ગીય બનવાનો છે અને ઊંઝા ખેડૂત સર્કલ પર બ્રિજ બનનાર છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે તેમ જણાવ્યું હતું.

રૂ.493.97 લાખના ખર્ચે દાસજથી રણછોડપુરા ખાતે વિસનગરને જોડતા રસ્તા પર નવીન બ્રિજનું લોકાર્પણ કરાયું છે. આ બ્રિજ થકી ચોમાસાની ઋતુમાં રસ્તો ચાલુ રહેવાથી લોકોને રાહત મળશે.

ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઐઠોર ખાતે 278 પ્લોટ માટે 1300 અરજીઓ આવી છે.પ્લોટ ફાળવવાની પ્રક્રિયા પારદર્શક રીતે થઇ રહી છે.ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ મોડલ તરીકે ઉભરી રહ્યું છે અને રાજ્ય રોજગારીનું સર્જન કરવા અગ્રેસર રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]