રાજકોટ– પીવાના પાણીના ગંભીર સંકટ વચ્ચે નર્મદાના ડેડવોટર વહાવીને આજી ડેમ ભરવાનો નિર્ણય કરાયો તો ખરો પરંતુ તેનો સુચારુ અમલ કરવાની વ્યવસ્થામાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આજી ડેમમાં ભરવા માટે છોડાયેલાં નર્મદા નીરનો ઘણો મોટો જથ્થો એક પાઇપલાઇનનો વાલ્વ તૂટી ગયો હોવાથી વેડફાઇ ગયો હતો.રાજકોટના સૂર્યારામપરા ગામ પાસે વાલ્વ બગડેલો હોવાથી દિવસો સુધી પાણીનો વેડફાટ થતો રહ્યો અને વહીવટદારોની કોઠાસૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિના અભાવે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. બે દિવસથી વહી રહેલું પાણી અટકાવવા છેવટે આજે પાણીનો જથ્થો અટકાવીને વાલ્વ રીપેરિંગનો નિર્ણય લેવાયો છે જેને લઇને આજીમાં જતું પાણી રોકાશે. હાલ આજી ડેમ 22 ફૂટ ભરાઇ ગયો છે ત્યારે આ પાણી મે માસ સુધીનો જથ્થો પૂરો પાડી શકશે.
વઢવાણ-ભોગાવો ડેમ પરના બે મોટા પંપ બંધ કરીને લાઇન બંધ કરવા માટે 48 કલાકનું શટડાઉન કરવામાં આવ્યું છે જેને લઇને મચ્છુ-1માંથી આજી તરફનું પાણી રોકાઇ જશે. વાલ્વ રીપેરિંગ માટે ગાંધીનગરથી સિંચાઇવિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને અત્યાધુનિક સાધનોથી સમારકામની શરુઆત થઇ ગઇ છે. જોકે કામ શરુ થતાં સુધીમાં એક અંદાજ પ્રમાણે રાજકોટને એક મહિના સુધી પૂરો પડે તેટલો પીવાના પાણીનો જથ્થો વેડફાઇ ગયો છે.
નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના રાજકોટ તરફ વહેવડાવવાનું શરુ કર્યાના 18 દિવસમાં લાઇન બંધ કરવી પડી છે.આ લાઇન ફરી ક્યારે શરુ થશે તે વિશે કશું નક્કી નથી. સંભવત આજી ડેમ ભરવાનો નિર્ણય પાછો પણ લેવો પડે. આ કિસ્સામાં રાજકોટ સિંચાઇવિભાગના ઇજનેર અને તેમની ટીમને દોષી માનવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન વાલ્વ રીપેરિંગની કામગીરી કરી રહેલા અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે વાલ્વમાં તોડફોડ નથી પરંતુ આખો વાલ્વ વળી ગયેલો હોવાનું જાણવા મળ્યું છે. તેના સમારકામ માટે મોટી ક્રેનને કામે લગાવવામાં આવી છે.આ ઘટનામાં મશીનરી વડે ઇરાદાપૂર્વક વાલ્વ વાળી નાંખવામાં આવ્યો હોય અથવા વાલ્વની ગુણવત્તા જ નબળી હોવાને લીધે આમ બન્યું હોવાની સંભાવનાઓ જતાવાઇ છે.