‘આઈ એમ સોરી, મને માફ કરી દો’: સ્ટીવ સ્મિથ ચોધાર આંસુએ રડી પડ્યો

સિડની – સાઉથ આફ્રિકામાં બહાર આવેલા બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે બદનામ થઈ ગયેલો અને એક વર્ષ સુધી સસ્પેન્ડ થઈ ગયેલો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ આજે અત્રેના એરપોર્ટ પરની પત્રકાર પરિષદમાં એ કૌભાંડમાં પોતાની સંડોવણીની કબૂલાત કરતાં રડી પડ્યો હતો અને કૌભાંડની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી અને પોતાને માફ કરી દેવાની આજીજી કરી હતી.

સ્મિથની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમના વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરને પણ એમના દેશના ક્રિકેટ બોર્ડે એક વર્ષ સુધી સસ્પેન્ડ કરી દીધો છે. આ બંને ખેલાડી અને બોલ સાથે ચેડાં કરનારો બેટ્સમેન કેમરન બેન્ક્રોફ્ટ આજે સિડની પાછા ફર્યા હતા.

સ્મિથે સિડની એરપોર્ટ પર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી અને એમાં તે લાગણીવશ થઈને રડી પડ્યો હતો. એણે કહ્યું હતું કે બોલ ટેમ્પરિંગની હરકત માટે સંપૂર્ણપણે એ પોતે જવાબદાર છે. આ કૌભાંડ પોતાના નેતૃત્વની નિષ્ફળતા બની ગઈ છે. સ્મિથે રડતાં રડતાં કહ્યું હતું કે મને આશા છે કે હું આ નુકસાન ભરપાઈ કરી શકીશ. હું તમને ખાતરી આપું છું કે આવું ફરીવાર નહીં બને. બધું મારી નજર સામે જ થયું. એટલે આ ઘટનાની જવાબદારી મારા શિરે લઉં છું.

‘આઈ એમ સોરી. હું સ્પષ્ટ કરી દેવા માગું છું કે આ વિવાદની સંપૂર્ણ જવાબદારી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે હું લઉં છું. મેં જજમેન્ટ કરવામાં ગંભીર થાપ ખાધી. હવે એનું પરિણામ ભોગવી રહ્યો છું,’ એમ આંખમાં આંસુ સાથે સ્મિથે કહ્યું.

એણે વધુમાં ઉમેર્યું હતું કે, હું મારી ભૂલ અને એને કારણે થયેલા નુકસાનનો સ્વીકાર કરું છું. એ માટે ખેદ વ્યક્ત કરું છું. અન્યોને આમાંથી કંઈક બોધપાઠ મળે એવું જે કંઈ પણ સારું કામ કરવાનું આવશે એ બધું હું કરીશ. મને આશા છે કે આનાથી સારું પરિવર્તન આવશે. હું મારી ભૂલને સુધારવા માટે થશે એ બધું કરીશ.

httpss://youtu.be/HQBytgYVn0o

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]