અમદાવાદ શહેરમાં ગુનાખોરી ફરીથી બેકાબૂ બનતી જણાય છે. હોળીની રાતે વસ્ત્રાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યા બાદ પોલીસે કડક પગલાં લીધાં હતાં, પરંતુ તે છતાં ગુનેગારો પર કોઈ અસર થતી નથી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં તલવારો અને છરીઓ વડે હુમલાઓની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. છેલ્લા બે દિવસમાં શહેરમાં ચાર મોટી હિંસક ઘટનાઓ બની, જેમાં રખિયાલ, જુહાપુરા, સાબરમતી અને ગોમતીપુર જેવા વિસ્તારોમાં હુમલાઓ નોંધાયા.
રખિયાલમાં જૂની અદાવતે આતંક મચાવ્યો
રખિયાલ વિસ્તારમાં અજીત મિલ પાસે 14 એપ્રિલની રાત્રે જૂની અદાવતને લઈને હિંસક ઘટના બની. ફરિયાદ મુજબ, ફરિયાદી અને આરોપીઓ બાપુનગરના સુંદરમનગરમાં નજીક-નજીક રહે છે અને તેમની વચ્ચે પહેલેથી જ ઝઘડા ચાલતા હતા. એક સામાજિક પ્રસંગ દરમિયાન આરોપીઓએ ફરિયાદીના ઘરે, અજીત રેસિડેન્સી, રખિયાલ ખાતે, તલવારો અને છરીઓ લઈને હુમલો કર્યો. પોલીસે આ મામલે સાત આરોપીઓને ઝડપી લીધા, જેમાં અફવાત મ. અંજુમ સિદ્દીકી, અસરફ અદાદતખાન પઠાણ, અમ્મર મ. અંજુમ સિદ્દીકી, મ. કાલિમ તોફીક સિદ્દીકી, મ. અજીમ તોફીક સિદ્દીકી, પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન અને એક સગીરનો સમાવેશ થાય છે.
જુહાપુરામાં ગેંગવોરે લોહી વહાવ્યું
જુહાપુરા વિસ્તારમાં 12 એપ્રિલે બાગે મશીરા સોસાયટીમાં ઝૈદખાન પઠાણ અને તેના પરિવાર પર હિંસક હુમલો થયો. ઝૈદખાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં વસીમ બાપુ, મોઇન, આસીફ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી. ઘટનાની શરૂઆત ઝૈદના નાના ભાઈ ઉબેદુલ્લા સાથે થયેલા ઝઘડાથી થઈ, જ્યારે તે ક્રિકેટ રમતા બાળકોના સ્ટમ્પ પડી જતાં ગાળો બોલાઈ. ઝૈદે માફી માગીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાત્રે આરોપીઓએ તલવારો અને લાકડીઓ સાથે હુમલો કર્યો. હુમલામાં વચ્ચે પડેલા ઇમ્તિયાઝ અને અલ્ફાઝ નામના બે યુવકોને માથામાં તલવારના ઘા લાગ્યા, જેના કારણે તેઓ લોહીલુહાણ થયા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વસીમ બાપુનો પહેલેથી જ ગુનાહિત રેકોર્ડ છે, જેમાં તેની સામે હત્યા અને ફાયરિંગ જેવા કેસ નોંધાયેલા છે.
સાબરમતીમાં નાની વાતે કર્યો છરીનો ઘા
સાબરમતીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિક્રમ પટણીએ મયુર વણઝારા નામના યુવક વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી. વિક્રમ શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. મયુર અને તેના મિત્રો લાંબા સમયથી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બાઈક પર બેસીને હોબાળો મચાવતા હતા, જેનાથી રહીશો ત્રાસી ગયા હતા. વિક્રમે મયુરને ત્યાંથી જવા કહેતાં તે ગુસ્સે થયો અને વિક્રમને ધમકી આપી. જ્યારે વિક્રમ ઘરે જઈ રહ્યો હતો, ત્યારે મયુરે તેની પીઠમાં છરી ભોંકી દીધી. પોલીસે મયુર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં કૂતરાના મામલે હુમલો
ગોમતીપુરની લુહાર શેરીમાં રહેતા ભરત મુળેએ ભાવીન ઉર્ફે મનુ ઠાકુર, તેજસ બારોટ, કપીલા બારોટ, અભી બારોટ, અનીસ, ગુનીયા અને અભિ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી. ભરત રિક્ષા ચલાવે છે અને તેના લગ્ન સલમા નામની યુવતી સાથે થયેલા છે. 11 એપ્રિલે ભરત અને સલમા રિક્ષા લઈને ગોમતીપુર આવ્યા ત્યારે આરોપીઓએ તેમના કૂતરાને ઘરની નજીક આવવા દેવાનો આક્ષેપ કરીને ગાળો બોલવાનું શરૂ કર્યું. વાત વધતાં આરોપીઓએ ભરત પર લાકડીઓ અને છરીઓથી હુમલો કર્યો, જેમાં તેને શરીર પર ઘણા ઘા લાગ્યા. સલમાની બૂમો સાંભળી લોકો દોડી આવ્યા, અને આરોપીઓ ભાગી ગયા. ભરતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
