ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડોક્ટરની ભલામણ વગર પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર ICMRની નવી ટેસ્ટિંગ ગાઇડલાઇન અનુસાર જે નાગરિકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માગતા હોય તેમણે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂર રહેશે નહીં. આરોગ્ય સચિવ દ્વારા આ માટે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના વિભાગોને પત્ર લખીને જાણ કરી દેવામાં આવી છે.
ગુજરાત RT-PCR ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા કરાયો
રાજ્યમાં પહેલી ડિસેમ્બરે સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા RT-PCR ટેસ્ટની કિંમત રૂ. 800 રૂપિયા રહેશે, એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં રૂ. 800 ચાર્જ ચૂકવાની RT-PCR ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે.
રાજ્યમાં 14913 સક્રિય કેસો
રાજ્યમાં અત્યાર સુધીમાં 80.33 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 ,14,309ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4031એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 1,93,938 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સક્રિય કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જેમાંથી 96 વેન્ટિલેટર પર જ્યારે 14,817 દર્દીની હાલત સ્થિર છે.