અયોધ્યા વિવાદઃ કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરેઃ અમિત શાહ

રાહુલ ગાંધી મંદિરોમાં ફરે છે, કપિલ સિબ્બલ સુનાવણી ટાળી રહ્યાં છેઃ અમિત શાહ

અમદાવાદ– સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ મામલાની સુનાવણી 8 ફેબ્રુઆરી સુધી ટળી છે, ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પત્રકાર પરિષદ કરી હતી, અને જણાવ્યું હતું કે કપિલ સિબ્બલની દલીલો અંચબામાં મૂકી દે તેવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ આ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ ભવ્ય રામ મંદિર બનાવવાના પક્ષમાં છે.અમિત શાહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના નેતા અને સુન્ની વક્ફ બોર્ડ તરફથી આર્શ્ચયજનક દલીલો કરી હતી. તેમણે દલીલ કરી હતી કે 2019ની ચૂંટણી સમાપ્ત થઈ જાય ત્યાં સુધી અયોધ્યા વિવાદની સુનાવણી ટાળવી જોઈએ. ત્યારે હવે કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરાવું હોય ત્યારે કપિલ સિબ્બલને આગળ કરવામાં આવે છે. કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું જોઈએ કે તેઓ કપિલ સિબ્બલની વાતોથી સહમત છે કે નહીં. જ્યારે તમામ કાગળો તૈયાર છે, ત્યારે સુનાવણી ટાળવાનો શું મતલબ છે.

હું કોંગ્રેસ પક્ષ પાસે માગ કરું છું કે દેશની જનતાની સામે પોતાના વલણ સ્પષ્ટ કરે, તે બતાવે કે રામ મંદિરનું નિર્માણ 2019ની લોકસભાની ચૂંટણી સાથે શું લેવાદેવા છે. અને કોંગ્રેસ ઝડપથી જાહેર કરે કે રામમંદિરનું નિર્માણ થવું જોઈએ કે નહીં.

અમિત શાહે રાહુલ ગાંધી પાસેથી જવાબ માગ્યો હતો કે એક તરફ કોંગ્રેસના નવા પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના મંદિરોની મુલાકાત લઈ રહ્યાં છે, ત્યારે કપિલ સિબ્બલ કોર્ટમાં આવી વાતો કરે છે. હું કોંગ્રેસ પાર્ટીને અપીલ કરું છું કે તેઓ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરે. અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપની એવી માગ છે કે સુપ્રીમ કોર્ટ આ મામલાની ઝડપી સુનાવણી પુરી કરી અને પોતાનો ચૂકાદો સંભળાવે. ભાજપ અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિર બનાવવાના પક્ષમાં છે.

અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલાની આગામી સુનાવણી 8 ફેબ્રુઆરીથી કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસ સાથે સંકળાયેલા વકીલોને કહ્યું છે કે આ કેસના તમામ દસ્તાવેજો પુરા પાડે, જેથી હવે પછી સુનાવણી ટળે નહીં.