ઓખી વાવાઝોડાની તીવ્રતા ઘટી, મધ્યરાત્રિએ સૂરતના કાંઠા વિસ્તારે ટકરાશે

ગાંધીનગર– ‘ઓખી’ વાવાઝોડાની તીવ્રતા ઘટી રહી છે. મંગળવારે બપોરે ‘ઓખી’ સૂરતથી દરિયામાં ૩૯૦ કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં છે, જે આજે મધ્યરાત્રિએ સૂરત પાસે દરિયાકાંઠાના સંપર્કમાં આવે એવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. સાઇકલોનિક સ્ટોર્મમાં પરિણમેલું વાવાઝોડું ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન સર્જશે. આ દરમિયાન ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. દરિયો તોફાની થાય અને કાંઠાના વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ થવાની સંભાવના છે.‘ઓખી’ની સંભાવનાને પગલે ગુજરાત સરકાર હાઇ એલર્ટ છે. મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંહે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલાં પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે તમામ જિલ્લાઓના તમામ અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરી હતી. દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા રાજ્ય સરકારે ખાસ ઝૂંબેશ હાથ ધરી હતી. આજે બપોર સુધીમાં ૧૩,૦૦૦થી વધુ બોટો પરત દરિયાકિનારે આવી ગઇ છે. બાકીની બોટો પણ સાંજ પહેલાં પરત આવી જાય એવા પગલાં લેવા મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંહે સૂચનાઓ આપી હતી.

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકશાન ન થાય એ માટે પણ યુદ્ધના ધોરણે પગલાં લેવાયાં છે. રાજ્યમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડ કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે. મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંહે નાગરિકોને જાનમાલનું નુકશાન ન થાય કે કોઇ જ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રને સુસજ્જ રહેવાની તાકીદ કરી છે. વાવાઝોડા પછી પણ પરિસ્થિતિને તરત જ સામાન્ય અને પૂર્વવત્ કરવા વહીવટીતંત્રને તૈયાર રહેવા સૂચનાઓ આપી છે.વિડીયો કોન્ફરન્સ પછી સમગ્ર રાજ્યની અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિ વિષે માહિતી આપતાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, ‘ઓખી’ની અસર હેઠળ તા. ૫, ૬ અને ૭ ડિસેમ્બર દરમિયાન હળવાથી ભારે વરસાદ પડવાની અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. મંગળવારની મધ્યરાત્રિએ ‘ઓખી’ દરિયાકાંઠાને સ્પર્શે તે પૂર્વે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ અને છોટાઉદેપુર જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાઓમાં વિશેષ અસર થવાની સંભાવના છે. આજે સવારથી રાજ્યના ૭૪ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારી જિલ્લાના ખેરગામમાં ર૧ મી.મી. વરસાદ પડયો છે.

દરિયો તોફાની થતાં માછીમારી માટે દરિયામાં ગયેલા માછીમારોના જાન-માલને નુકશાન ન થાય તે માટે વહીવટીતંત્રએ વિશેષ ઝૂંબેશની જેમ કામ કરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને પરત કાંઠે બોલાવી લેવામાં સફળતા મેળવી છે. હજુ પણ કેટલાક માછીમારો દરિયામાં પ-૧૦ નોટીકલ માઇલના અંતરે છે, જેઓ સાંજ પહેલાં કાંઠે આવી જશે. તામિલનાડુ, કેરલ અને મહારાષ્ટ્રની પણ અન્ય બોટો સાથે માછીમારો ગુજરાતના કાંઠે સલામતીપૂર્વક આવી ગયા છે. દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ મુકી દેવામાં આવ્યું છે. ટગ અને બાજ સહિત તમામ પ્રકારની બોટો દરિયાકિનારે સલામત રીતે લાંગરી જાય એવું આયોજન કરાયું છે. ભાવનગર નજીક અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પણ સલામતીના પુરતાં પગલાં લેવાયાં છે. મોટી સ્ટીમરોને પણ લાંગરી જવા તાકીદ કરાઇ છે. આ માટે મત્સ્યોદ્યોગ વિભાગ ઉપરાંત કોસ્ટગાર્ડ, આર્મી અને નેવીની મદદ લેવામાં આવી છે.

‘ઓખી’ સુરત નજીક દરિયાકાંઠાને સ્પર્શ કરશે એવી સંભાવનાને પગલે સુરત શહેર અને જિલ્લામાં વિશેષ પગલાં લેવાયાં છે. સુરત જિલ્લાના ર૯ જેટલા ગામો દરિયાકિનારે આવેલાં છે. આ ર૯ ગામોના ૮૯૦ પરિવારોની ૩,૩૬૦ જેટલી વ્યક્તિઓને કામચલાઉ ધોરણે આગોતરાં પગલાં તરીકે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સેટેલાઈટ પિક્ચર બપોરે 2 વાગ્યાનું

એન.ડી.આર.એફ.ની બે ટીમો પરિસ્થિતિને પહોંચી વળવા સુરતમાં તહેનાત છે. હજીરાના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પુરતાં પગલાં લેવાયાં છે. સુરત નજીક દરિયામાંથી ગેસ કાઢવાની કામગીરી ચાલી રહી છે. તમામ પાંચ ગેસ સ્ટેશનોમાંથી ગેસ કાઢવાની કામગીરી હાલ સ્થગિત કરીને ત્યાં કામ કરતા તમામ લોકોને સલામતી હેતુ કાંઠે લાવી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં લોકોને સાવચેત અને સલામત રહેવાના મેસેજ આપવા ૧૩ લાખથી વધુ એસ.એમ.એસ. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. સુરતમાં આવતીકાલે શાળા-કોલેજા બંધ રહેશે. સુરત શહેરમાં ૫૧૦ જેટલી સાઇટ્સ પર બાંધકામો ચાલી રહ્યાં છે. આ તમામ સાઈટ્સ પર બાંધકામ સ્થગિત કરીને કાચા મકાનો-ઝૂંપડામાં રહેતા લોકોની સલામતી માટે પુરતાં પગલાં લેવાયાં છે.

ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં ૭,૦૦૦થી વધુ અગરીયાઓને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં પણ એન.ડી.આર.એફ.ની એક-એક ટુકડી સલામતી ખાતર તહેનાત કરવામાં આવી છે. એકંદરે સમગ્ર રાજ્યમાં તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.