અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં ભલે 2017માં ભાજપે સરકાર બનાવી હોય પણ એવા પણ કેટલાક મતવિસ્તારો છે, જ્યાં ભાજપ નબળો છે. આ વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત છે અને જો આ વખતે મહેનત કરે તો ભાજપને અહીં જીતવામાં મુશ્કેલી પણ પડે.
રાજ્યને જો ચાર ઝોનમાં વહેચવામાં આવે તો તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ વધુ મજબૂત છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વિધાનસભાની 54 સીટો છે. અહીં ભાજપ કોંગ્રેસ કરતાં નબળો લાગે છે. 2017માં ભાજપે 23 સીટો જીતી હતી, પણ કોંગ્રેસને ફાળે 30 સીટો આવી હતી. અન્યને ફાળે એક સીટ ગઈ હતી. આમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો કોંગ્રેસ વધુ મહેનત કરે તો ભાજપની મુશ્કેલીઓમાં વધારો થાય એમ છે.
એ જ રીતે ઉત્તર ગુજરાતની 32 સીટો છે. અહીં પણ કોંગ્રેસ ભાજપ કરતાં વધુ મજબૂત છે, કેમ કે 2012માં કોંગ્રેસ પાસે અહીં 17 સીટો હતી, પણ 2017માં પણ પક્ષે આટલી જ સીટો જાળવી રાખી હતી. અહીં કોંગ્રેસ સીટો વધારી નહોતી શકી તો એની સીટો ઘટી પણ નથી. આમ જો આ વખતે પણ કોંગ્રેસ આટલી સીટો જાળવે કે એના કરતાં વધુ સીટો એને ફાળે જાય તો ભાજપને કપરાં ચઢાણ ચડવા પડશે.
મધ્ય ગુજરાતમાં વિધાનસભાની 61 બેઠકો છે, જેમાં ભાજપને ફાળે 37 સીટો ગઈ હતી. જ્યારે કોંગ્રેસ 2012 અને 2017માં 22 સીટો સાથે બીજા ક્રમાંકે હતી. જો અહીં પણ કોંગ્રેસની સીટો વધે તો ભાજપને જીતના ફાંફાં પડે. આમ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ યોગ્ય વ્યૂહરચના અપનાવી ચૂંટણીજંગમાં ઊતરે તો ભાજપને જીતવું ભારે પડી શકે.
