10 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી આરંભાશે સેવા સેતુ કાર્યક્રમ

ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજ્યના નાગરિકોને ઘરઆંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવાના અભિનવ પ્રયોગ ‘સેવા સેતુ’ના પાંચમા તબક્કાનો ૧૦ ઓકટોબરે દાહોદના વનબંધુ વિસ્તાર અંતેલાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ૧૦ ઓકટોબરથી શરૂ થનારા આ સેવા સેતુના પાંચમા તબક્કામાં ‘વન ડે ગર્વનન્સ’નો પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત અભિગમ સાકાર કરતાં પ્રજાજનો સાથે સીધી સંકળાયેલી પ૭ જેટલી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં એક તાલુકામાં પાંચ ગામોનું કલસ્ટર બનાવી જુદા જુદા ૧૩ અધિકારીઓની ટીમ કેમ્પ ગોઠવશે આ કેમ્પમાં કોઇ પણ જાતની અરજી ફી લીધા સિવાય સવારના ૯ થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્થળ ઉપર જ રજૂઆતોનો નિકાલ કરવામાં આવશે.

સેવા સેતુના આ કાર્યક્રમમાં આવકના દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા-વાત્સલ્ય, મા-અમૃત્તમ કાર્ડ માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા  પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના સાથે હવે મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓ પણ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં આવા ૪ તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા છે. ચોથા તબક્કાના ગ્રામીણ કક્ષાના સેવા સેતુનો પ્રારંભ પણ વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વનવાસી ગામ ઢઢેલાથી કરાવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]