ભરશિયાળે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે જેને કારણે રાજ્યમાં ત્રણ દિવસ સળંગ વરસાદ વરસશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. જોકે તે પછીના બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે આઠ જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

રાજ્યમાં બે દિવસ ઠંડીના પારામાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.3, ગાંધીનગરમાં 12.05 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન કેશોદમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તેમણે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં એક ટ્રફ બની રહ્યું છે. જેને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના છે. ગુજરાતમાં તાપમાન સ્થિર છે. ત્રીજા દિવસથી ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળશે. જેને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.