રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વાવાઝોડાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  પાંચ દિવસ વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠા તરફ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે.

વળી, અરબી સમુદ્રમાં 6થી નવ જૂનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લો પ્રેશર બનશે. હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લો પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે.

અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડાનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે એ ઓમાન તરફ જાય છે. રાજ્ય પાસેથી પસાર થતાં વાવાઝોડા પણ સૌરાષ્ટ્ર અને બીજા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે..

રાજ્યમાં એકસાથે બે-બે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનો અંદાજ છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય તો તેની રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે.