કેન્દ્ર સરકારે મગફળી ખરીદીની રુ.628 કરોડની ગ્રાંટ છૂટી કરી

ગાંધીનગર– કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે કેટલાક નિર્ણય લેવાયાં છે. જેમાં મગફળી ખરીદીની ગ્રાન્ટ, રાયડો તેમ જ ચણાની ખરીદીનો નિર્ણય સામેલ છે.કેન્દ્ર સરકારના જણાવ્યાં પ્રમાણે ગુજરાતના ખેડૂતો માટે મગફળી પેટે રૂ. ૬૨૮ કરોડની ગ્રાંટ અપાઈ છે. તેમ જ આગામી દિવસોમાં ૯૦ હજાર મેટ્રિક ટન રાયડો તેમજ ૮૦ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી પણ કરાશે.

કેન્દ્ર સરકારે ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે કુલ રૂ. ૬૨૮ કરોડની ગ્રાંટ છૂટી કરી દીધી છે. ગુજરાતના ૨૫૪ જેટલાં કેન્દ્રો પર જે ખેડૂતોએ ટેકાના ભાવનું મગફળી વેચાણ કર્યું હતું, તેવા ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ આગામી બેથી ત્રણ દિવસમાં જમા થઈ જશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે ૯૦ હજાર મેટ્રીક ટન રાયડો અને ૮૦ હજાર મેટ્રિક ટન ચણાની ખરીદી માટે પણ મંજૂરી આપી છે. આગામી ટૂંક સમયમાં આ ખરીદી પણ રાજ્યમાં શરૂ કરાશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ઘસારો ન પડે અને મગફળી ઓછા ભાવે વેચવી ન પડે તેમ જ રાયડો અને ચણાની ખરીદી માટેના આ કિસાન હિતકારી નિર્ણય હોવાનું જણાવાયું હતું.