જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘વિશ્વ પશુ ચિકિત્સા દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલા  જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ  દ્વારા ‘વિશ્વ પશુ ચિકિત્સા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પશુ ચિકિત્સા સાથે સંકળાયેલા ચિકિત્સકોએ પશુઓમાં થતા રોગ અને એના નિદાન વિશે વક્તવ્યો આપ્યાં હતાં. આપણી આસપાસનાં પશુ-પક્ષી અને પાળેલાં જાનવરોને માંદગીમાં અકસ્માત વેળાએ કેવી રીતે સારવાર આપવી એ વિશે માહિતગાર કર્યા હતા. પશુ-પક્ષીથી ફેલાતા રોગ વિષે પણ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા પ્રોગ્રામ મેનેજર હંસ ચિત્રલેખા.કોમને કહે છે પશુ ચિકિત્સકોના અલગ-અલગ વિષયો પર વાર્તાલાપ પછી બીજા દિવસે એક મહત્ત્ત્વપૂર્ણ સંમેલનમાં રેસ્ક્યુઅર અને NGOને ભેગા કર્યા હતા. આપણી આસપાસ પશુ-પક્ષીઓને બીમારીમાં અને અકસ્માતમાં બચાવવા, સારવાર કરવા મદદરૂપ થતા સેવાભાવી લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અબોલ જાનવરો માટે નિ:સ્વાર્થ સેવા કરતા લોકો વધુ સારું કામ કરે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જીવદયા સહિત અબોલ પશુ-પક્ષીઓ માટે કામ કરતી તમામ સંસ્થાઓએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવાકીય કાર્ય શરૂ કરી દીધાં છે. પાણીનાં કૂંડાંની વહેચણી, એની સાફસફાઈ અને કૂંડામાં પાણી ભરવું.. આ સાથે મીઠું, ખાંડ કે ઉપલબ્ધ હોય તો ORS નાખવા ઝુંબેશ ઉપાડી છે. જેથી પાણીના અભાવે મૂંગાં પશુ-પક્ષીઓ તરફડે નહીં.

(પ્રજ્ઞેશ વ્યાસ)