આર્સેટિયાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ વિક્રમી વિજય મેળવ્યો છે. ભારતમાં ભાજપ દ્વારા એની ઉજવણી થવી સ્વભાવિક છે પણ આ ઉજવણી વિદેશની ધરતી પર પણ થઈ રહી છે. અમેરિકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા ભાજપના વિજયનાં વધામણાં થયાં હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે. ભાજપનો સતત સાતમી વાર વિજય થયો છે. આ વિજયની દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોંખીને ઉજવણી થઈ હતી. બીજી તરફ વિદેશમાં પણ ભાજપની જીતની ઉજવણી થઈ રહી છે. અમેરિકાના ઓરેન્જ કાઉન્ટીમાં વિવિધ સંસ્થા દ્વારા ભાજપની જીત ઊજવાઈ હતી.ઓરેન્જ કાઉન્ટીના ગાયત્રી ચેતના મંડળના હોલમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, ગાયત્રી ચેતના મંડળ તથા અન્ય સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજયની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પી. કે. નાયક, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, પ્રેસિડન્ટ લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ગાયત્રી ચેતના મંડળના રાજુભાઈ પટેલ તથા જિતેન પટેલ ઉપરાંત ૨૫૦થી ૩૦૦ લોકો હાજર રહ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા જયઘોષ સાથે કેક કાપી ભાજપના વિજયનાં વધામણાં થયાં હતાં.
આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે સતત સાતમી વાર ગુજરાતમાં ભાજપનું શાસન સ્થપાયું છે, જેમાં ભાજપે બેઠકો જીતવાના ભૂતકાળની તમામ સરકારોના વિક્રમો તોડી નવો વિક્રમ સ્થાપ્યો છે. આ વિજય એ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના નાખેલા પાયાનો વિજય છે. યોગી પટેલે આગામી દિવસોમાં ગુજરાત વધુ ને વધુ વિકાસ કરતું રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.