સુપ્રીમે ગોધરા કાંડના દોષિતને 20 વર્ષે જામીન આપ્યા

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે 20 વર્ષ જૂના ગોધરા કાંડ મામલે એક દોષીને જામીન આપ્યા છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાને કારણે 59 કારસેવકોનાં મોત થયાં હતાં.દોષી પર લોકોને ટ્રેનમાંથી ના ઊતરવાના આરોપ સાબિત થયા હતા, જેથી તેને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી.

કોર્ટે ગોધરાકાંડના એક દોષિત ફારુકને જામીન આપ્યા છે. આજીવન કેદ સામે દોષિતની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતી. સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે ફારુક 2004થી જેલમાં છે, એટલે આજે તેને જામીન આપવામાં આવ્યા છે.

આ જામીનનો વિરોધ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તે સૌથી જઘન્ય અપરાધો પૈકીનો એક હતો. લોકોને ડબ્બાઓમાં બંધ કરીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સામાન્ય સંજોગોમાં પથ્થરમારો ઓછો ગંભીર ગુનો હોઈ શકે છે, પરંતુ આ એક અલગ જ પ્રકારનો ગંભીર ગુનો છે.’

શું મામલો હતો
27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સ્ટેશન પર અમુક ટોળાએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 59 કારસેવક જીવતા ભૂંજાયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. એમાં એક દોષિત ફારુક પર પથ્થરમારો અને હત્યાનો કેસ સાબિત થયો હતો. આ પછી તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

2011માં SIT કોર્ટે 11 દોષિતને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર, 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. દોષી ફારુક તેમાંનો એક છે.