અમદાવાદઃ આજે મંગળવારે શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા દિવસે માતા દુર્ગાના બીજા સ્વરૂપ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાનો નિયમ છે. બ્રહ્મા એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. તપનું આચરણ કરનારી દેવીના રૂપમાં ભગવતી દુર્ગાના બીજા સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી પડ્યું. દેવીએ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. ભક્તો અને સાધકો દેવી દુર્ગાના તપસ્વી સ્વરૂપની ઉપાસના કરીને અનંત શુભ પરિણામો મેળવે છે. કાશી ખંડમાં દેવીનું સ્થાન દુર્ગા ઘાટ કહેવાય છે.
શહેરની કેટલીક જૂની અને નવી ક્લબો દરેક ઉત્સવો અને તહેવાર પોતાના સભ્યો અને મહેમાનો માટે ઉજવણી કરી મનોરંજન કરાવતી હોય છે. ક્લબો સંસ્કૃતિને જોડતી એક્ટિવિટી પણ કરાવતી હોય છે. શહેરના ગુજરાત કોલેજ વિસ્તારમાં આવેલી સૌથી જૂની ક્લબોમાંની એક ‘ ધ ઓરિયેન્ટ ક્લબ’ની મહિલા પાંખ દ્વારા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘ધ ઓરિએન્ટ ક્લબ’ ની મહિલા પાંખ દ્વારા યોજાયેલા ગરબા મહોત્સવમાં નાની બાળાઓથી માંડી મોટી વય જૂથની તમામ મહિલા સભ્યો અને મહેમાનો પરંપરાગત પહેરવેશમાં ગરબા મહોત્સવની ઉજવણી કરી હતી.
આ સાથે શહેરની સોસાયટીઓ, મહોલ્લા, શેરીઓ અને પોળોમાં બે વર્ષ બાદ રાસ-ગરબાની રમઝટ જોવા મળી રહી છે. બે વર્ષનાં બંધનો બાદ નવરાત્રિ નિમિત્તે પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાનો અને ક્લબોમાં પણ ભવ્ય આયોજનો કરવામાં આવ્યાં છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)