ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવણી   

સુરત: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થીઓએ આજે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દ્વારા દિવાળી વેકેશનમાં તૈયાર કરેલી ગણિત વિષય આધારિત વિવિધ કૃતિઓનું પ્રદર્શન સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અદાણી હજીરા પોર્ટના CEO સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યા હતા.

રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિત્તે 22મી ડિસેમ્બરે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભટલાઈ પ્રાથમિક શાળા મુકામે વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે રુચિ કેળવાય, જીવનમાં ગણિતનું મહત્વ સમજે, ભારતવર્ષના ગણિતશાસ્ત્રીઓનો પરિચય થાય, ગણિતના નિત્યસમોને સમજે એ આશય સાથે મેટ્રિક્સ મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્થાન પ્રોજેક્ટના સહાયકો દ્વારા વેકેશનમાં યોજાયેલા દિવાળી મેળામાં ખાસ કરીને સરકારી શાળાના ત્રીજાથી આઠમા ધોરણના પ્રિય વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ નમૂનાનું પ્રદર્શન ગોઠવાયું હતું. જે વિદ્યાર્થીને લેખન, વાંચન અને ગણનમાં મુશ્કેલી હોય એવા વિદ્યાર્થીને પ્રિય તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં હજીરા વિસ્તારની  ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની ૨૪ પ્રાથમિક શાળાના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

આ પ્રસંગે હાજર રહેલા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.દીપકભાઈ દરજીએ ઉત્થાન પ્રોજેક્ટની મેટ્રિક મેળાની પ્રવૃત્તિ અને નિદર્શનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને તેને વધુ વેગવંતી બનાવવા માટે અપીલ કરી હતી. તાલુકા પંચાયત ચોર્યાસીનાં પ્રમુખ તૃપ્તિબહેન પટેલે પોતાના જ ગામની શાળામાં યોજાયેલા પ્રદર્શન માટે આનંદ સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અદાણી હજીરા પોર્ટના CEO નીરજ બંસલે બાળકોના સર્વાંગી વિકાસને માટે અતિ મહત્વની પાયાની પ્રવૃત્તિઓને બાળકો સાથે વારંવાર યોજવી જોઈએ અને કરાવવી જોઈએ એમ જણાવ્યું હતું. આ મેટ્રિક મેળા દરમિયાન ઉત્થાન પ્રોજેક્ટના ઉત્થાન સહાયક દ્વારા સરકારી શાળાના બાળકો દ્વારા વિવિધતાસભર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની વિવિધ કૃતિઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.