અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે, પણ એન્ટિ-ઇનકમબન્સીની શક્યતાને ખાળવા માટે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજ્યમાં રૂપાણી સરકારને બદલીને ચૂંટણી જીતવા માટે તો કમર કસી દીધી છે, પરંતુ ભાજપ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં હજી વધુ નવા પ્રયોગો હાથ ધરે એવી શક્યતા છે. ભાજપ આગામી ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરી અપનાવે એવા સંકેતો પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે આપ્યા છે.
વર્ષ 2022ના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 નવા ઉમેદવારોને તક આપશે, એમ કહેતાં પાટીલે મભમ રીતે સંકેત આપ્યા હતા કે હાલના મોટા ભાગના વિધાનસભ્યો પત્તું કટ થઈ શકે છે. કેટલાક વિધાનસભ્યોને વયને (75+) લીધે નિવૃત્ત કરવામાં આવશે. જોકે કોને ટિકિટ આપવી, અને કોની ટિકિટ કાપવી એ વિશેનો નિર્ણય તો ઉપરથી લેવામાં આવે છે, પણ જો કોઈની ટિકિટ કપાય તો મારી પાસે ના આવતા, એમ તેમણે કહેતાં ઉમેર્યું હતું કે ટિકિટની વહેંચણીમાં મારી કોઈ ભૂમિકા જ નથી. વળી ઉમેદવારોનાં નામ નક્કી થતાં પહેલાં જેતે ઉમેદવારનો બાયોડેટા અને સર્વે કરવામાં આવ્યા પછી જ તેમને ટિકિટ આપવામાં આવશે.
ભાજપમાં એકથી વધુ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા MLAના પત્તાં કપાશે તેવો સંકેત આપતાં પાટીલે કહ્યું હતું કે કેટલાક ધારાભ્યો નિવૃત્ત પણ થવાના છે અને 70 તો નવા શોધવાના છે. જેનો અર્થ એ કે 100 તો નવા ચહેરા થઈ જ જશે. પાટીલે કહ્યું હતું કે જેમની સામે ફરિયાદ હશે, જેઓ સક્રિય નહીં રહ્યા હોય તેમના પર પક્ષ વિચાર નહીં કરે.
વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડવા ઇચ્છે છે. પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે 2022માં કાર્યકરો તમામ 182 વિધાનસભા બેઠકો પર જીત મેળવવા માટે કામે લાગી જાય.