ડો.ચંદનકુમારને INAE યંગ ઇન્નોવેટર્સ એવોર્ડ એનાયત

ગાંધીનગરઃ PhDના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)માં પોસ્ટડોક્ટરલ ફેલો ડો. ચંદનકુમાર ઝાને પ્રતિષ્ઠિત INAE યંગ ઇન્નોવેટર એન્ડ એન્ટરપ્રિન્યોર એવોર્ડ એનાયત થયો છે. ડો. ચંદન ફાઇબર ઓપ્ટિક સેન્સિંગના ક્ષેત્રે નિપુણતા ધરાવે છે અને તેમની સંવેદનશીલ અને વિશ્વસનીય ઇન્સ્ટ્રુમેન્ટેડ ગ્લવ્ઝ વિકસિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ગ્લવ્ઝ સ્ટ્રોક અને સેરેબ્રલ પાલ્સીને કારણે શારીરિક રીતે અક્ષમ થયેલા દર્દીઓમાં ઝડપથી સારવાર માટેની થેરેપીમાં મદદરૂપ બને છે.

ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ (INAE)  દ્વારા પ્રતિ વર્ષ યંગ ઇન્નોવેટર એન્ડ એન્ટરપ્રુનર  એવોર્ડ યુવા એન્જિનિયરોને સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાના પ્રોત્સાહન આપવામાં આવે છે. ડો. ચંદનને  15-17 ડિસેમ્બરે ઓનલાઇન આયોજિત થનારા INAEના વાર્ષિક સમારંભમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ડો. ચંદને ફોટોનિક સેન્સર્સ લેબમાં વિકસાવેલા ફાઇબર-ઓપ્ટિક સેન્સર ટેક્નોલોજીયુક્ત ગ્લવ્ઝ અન્ય ડિવાઇસિસથી ઘણા ઉપયોગી સાબિત થાય એમ છે. એ ગ્લવ્ઝ ખાસ કરીને સ્ટ્રોકના દર્દીઓના હાથની આંગળીઓના હલનચલનની દેખરેખમાં ઉપયોગી છે. એ ગ્લવ્ઝ દર્દીને પહેરાવીને કસરત વધુ સારી રીતે કરાવી શકાય છે અને ડોક્ટરો એ દર્દીની રિકવરીની દેખરેખ પણ રાખી શકે છે.

ડો ચંદન કુમાર અને તેમની ટીમના તેમના સ્ટાર્ટઅપ- ગેલેન્ટો ઇન્નોવેશન પ્રા. લિ. અને IIT ગાંધીનગર ઇન્નોવેશન એન્ડ એન્ટરપ્રુનરશિપ સેન્ટર (IIEC) હેઠળ નિધિ પ્રયાસ કાર્યક્રમના સહયોગથી આ ગ્લવ્ઝ વેપારી ધોરણે બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળતાં હું બહુ ખુશ છું. એ મારી સ્ટાર્ટઅપ ટીમ અને મારી ઉદ્યોગ સાહસિકતા માટે બહુ મોટો પ્રોત્સાહન છે, એમ ડો. ચંદનકુમારે કહ્યું હતું.