બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ હિન્દુઓને મુસલમાનો સામે ભડકાવે છે, જ્યારે કોંગ્રેસની ચુપકીદી પર તેમણે સવાલો કર્યા હતા. ઓવૈસીએ પાર્ટીના ઉમેદવારને વડગામ સીટ ઉપરથી જીતાડવા માટે હાકલ કરી હતી તેમણે કેન્દ્ર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમને સાંભળવા મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. તેમણે આ પહેલાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા પર હુંકાર કર્યો હતો.
તેમણે જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે હું અલ્લાથી ડરું છું, કોઈ મોદી અને યોગીથી નથી ડરતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હવે અમે કોઈ મસ્જિદને નહીં ખોઈએ. મસ્જિદ છે અને રહેશે. તેમણે કહ્યું હતું કે મુસલમાનોની તકલીફ વખતે કોંગ્રેસ ક્યારે કેમ કંઈ બોલી નથી. ભાજપને હરાવવાનું છે, કોણ કહેશે કે નથી હરાવવાનું. મારી જિંદગીનો એક જ હેતુ છે કે મારી જમાતના લોકો જિલ્લા પરિષદ અને વિધાનસભામાં જવા જોઈએ.
લોકો કહે છે કે ઔવસીના આવવાથી ભાજપને ફાયદો થશે, તો હું કોંગ્રેસીઓને પૂછવા માગું છું કે તમારી સરકાર ગુજરાતમાં ક્યારે હતી. આટલાં વર્ષોથી ઓવૈસી નથી આવ્યો, તો તમે કેવી રીતે આટલાં વર્ષોથી હારી ગયા એમ તેમણે કહ્યું હતું.