‘આપ’ પાર્ટીએ રાજ્યમાં પરિવવર્તન યાત્રા શરૂ કરી

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગઈ કાલથી રાજ્યમાં પરિવર્તન યાત્રા શરૂ કરી હતી. પાર્ટીએ રાજ્યમાં પાંચ જગ્યાએ પરિવર્તન યાત્રા પ્રારંભ કરી છે. પાર્ટીનો ઉદ્દેશ આ યાત્રામાં 10 લાખ મતદાતાઓ સાથે સંપર્ક કરવાનો તથા રાજ્યના ચાર કરોડ મતદાતાઓની વચ્ચે પોતાનો સંદેશ પ્રસારિત કરવાનો છે.

ભારતીય આદિવાસી પાર્ટીના નેતા મહેશ વસાવા અને અર્જુન રથવાની આગેવાનીમાં આ યાત્રા કાઢવામાં આવી હતી. આપ પાર્ટીનું લક્ષ્ય 20 દિવસમાં 182 વિધાનસભા સીટો કવર કરવાનું છે.

જો આ લક્ષ્ય પાર્ટી હાંસલ કરી લેશે તો એના સમક્ષ મુખ્ય પડકાર એ રહેશે કે એનો સંદેશ મતદાતાઓના મગજમાં રહેશે કે એ ભાજપની જનશક્તિથી મુકાબલો કરી શકશે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ કાર્યકરોએ સોમનાથથી રાજ્યમાં પરિવર્તન યાત્રા શરૂ કરી હતી. સોમનાથ મહાદેવનાં દર્શન કરી આપના નેતાઓએ મંદિરના પટાંગણમાં હમીરજી ગોહિલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. સોમનાથ આવેલા આપના નેતાઓને ગીર-સોમનાથ જિલ્લાના આપના કાર્યકર્તાઓએ ફૂલ-હારથી સ્વાગત કર્યું હતું. કેજરીવાલની કામગીરીને જનજન સુધી પહોંચાડવા પરિવર્તન યાત્રા શરૂ કરી છે.