ગાંધીનગરઃ હાલમાં જ સમાપ્ત થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય હાંસલ કરીને પોતાની સત્તા સતત સાતમી વાર જાળવી રાખ્યા બાદ વર્તમાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ આજે બીજી મુદત માટે આ પદ માટે શપથ ગ્રહણ કરશે. શપથવિધિ સમારોહ અહીં સચિવાલયના પટાંગણમાં આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવનાર છે. વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ 2021ના સપ્ટેમ્બરમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર, પટેલની સાથે 25 કેબિનેટ કક્ષાના પ્રધાનો પણ આજે શપથ લેશે. શપથવિધિ સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવનાર છે અને એમાં હાજરી આપવાનું અનેક મહાનુભાવો તથા ટોચના રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. ભાજપશાસિત ઘણા રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આજના સમારોહમાં હાજર રહેવા માટે ગુજરાતભરમાંથી 200 સાધુ-સંતોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્ટેજ પર જમણી તરફ વડા પ્રધાન મોદી સહિતના તમામ મહાનુભાવો બેસશે જ્યારે ડાબી તરફ સાધુસંતો બેસશે.
182-સીટવાળી ગુજરાત વિધાનસભાની હાલની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને વિક્રમસર્જક જીત હાંસલ કરી છે. તેની હરીફ કોંગ્રેસ પાર્ટીને માત્ર 17 અને આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે.
(તસવીર સૌજન્યઃ @Bhupendrapbjp)
