રાજ્યમાં બારે મેઘ ખાંગાઃ ડેમોમાં નવા નીરની આવક

અમદાવાદઃ રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વધુ આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં ઓઆવી છે. રાજ્યમાં સાઇક્લોનિક બે સિસ્ટમ સક્રિય થઈ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં પાંચ ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

જૂનાગઢ તાલુકામાં પાછલા 22 કલાકમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં 5.9 ઈંચ અને ભેસાણમાં 5.4 ઈંચ વરસાદ થયો છે.  જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે. જૂનાગઢમાં ઠેર-ઠેર ભારે વરસાદને કારણે નદી-નાળાં તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવાં જળ આવ્યાં છે. ભારે વરસાદને લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે.

તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઇંચ અને વ્યારામાં 5.5 ઇંચ વરસાદ ખાબકતાં ચારે બાજુ પાણી જ પાણી છે. સુરતના મહુવામાં 7.3 ઈંચ, તાપીના વાલોડમાં 6.8 ઈંચ અને વ્યારામાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ગીર સોમનાથના તાલાલામાં 6.1 ઈંચ અને સૂત્રાપાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં એક પરિવાર ફસાયો હતો. જોકે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા.

ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

રાજ્યના મોટા ભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાનાં તમામ ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણા તાલુકામાં છ ઇંચ વરસાદ અને સૌથી ઓછો લોધિકા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં ઉપલેટનો વેણુ-2 અને ધોરાજી તાલુકાના ભૂખી પાસેનો ભાદર-2 ડેમ 80 ટકા, જ્યારે ઉપલેટાનો મોજ ડેમ 70 ટકા ભરાયો છે. એ સાથે જ ભાદર-2 ડેમના 6 દરવાજા પાંચ ફૂટ ખોલી 38,674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે નદી કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

સુરવો ડેમ 100 ટકા ભરાયો

રાજકોટનો સુરવો ડેમ એની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી હાલ 355 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે.

મોજ ડેમ 70 ટકા ભરાયો

રાજકોટનો મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 21,045 ક્યુસેકની આવક છે. ડેમની કુલ ઊંચાઈ 72.54 મીટર છે, જ્યારે ભરાયેલી ઊંચાઈ 71.08 મીટર છે.