ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિષ્ઠિત સંત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પ્રેરક વક્તા છે. એમના આધ્યાત્મિક માર્ગદર્શન, માનવીય મૂલ્યોના પ્રચાર અને સમાજ કલ્યાણ માટેના અવિરત પ્રયાસોએ વિશ્વભરમાં લાખો લોકોના જીવનને પ્રેરણા અને પ્રકાશ આપ્યો છે.
મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ, ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સેવાના માધ્યમથી સમાજને એક નવી દિશા આપી છે. એમના વ્યાખ્યાનો અને સેવાકાર્યો દ્વારા તેઓ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે.
જુલાઈ 2025માં, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને તેમના અસાધારણ આધ્યાત્મિક અને સામાજિક યોગદાન માટે અમેરિકાના વિવિધ રાજ્યો અને શહેરોની સરકારો દ્વારા ભવ્ય સન્માન આપવામાં આવ્યું. આ સન્માનો તેમના આધ્યાત્મિક માર્ગદર્શન, સમાજ સેવા અને માનવીય મૂલ્યોના પ્રચાર માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાની સાક્ષી પૂરે છે.
યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સ તરફથી મળેલી કોંગ્રેસનલ માન્યતા, જે તેમને “આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા” બદલ કોંગ્રેસના સભ્ય સુહાસ સુબ્રમણિયમ દ્વારા આપવામાં આવી.
ડેલાવેર રાજ્યના ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા હેઠળ સ્વામીના “લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટેના પ્રાયોગિક માર્ગદર્શન” માટે તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું.
ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા સ્વામીના “શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત” તરીકેના કાર્ય માટે સરાહના વ્યક્ત કરવામાં આવી હતી.
મેસેચ્યુસેટ્સ રાજ્યમાંથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા પણ સ્વામીના “માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના યોગદાન” બદલ સન્માન જાહેર કરાયું.
વર્જિનિયા રાજ્યમાંથી સેનેટર કન્નન શ્રીનિવાસન અને સેનેટર ડૅની ડિગ્સ દ્વારા સ્વામીની “સમાજ સેવા અને સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા”ને લઈને સન્માન વ્યક્ત થયું.
મેસેચ્યુસેટ્સના લોઅલ શહેરના મેયર ડેનિયલ રૌર્ક, હેમ્પટન શહેરના મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર અને વર્જિનિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા પણ તેમની વિચારોના વૈશ્વિક પ્રભાવ અને જીવનમાં સુધારો લાવતી પ્રવૃત્તિઓ બદલ જાહેરનામા દ્વારા સન્માન આપવામાં આવ્યું.
આ સન્માનો દર્શાવે છે કે, પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીના જીવનમૂલ્યો અને ભાષણોએ માત્ર ભારતીય સમુદાય નહીં પણ વિશ્વભરમાં લોકોના જીવનમાં સકારાત્મક પ્રેરણા પૂરાં પાડી છે. તેમની કાર્યપદ્ધતિ અને નિષ્ઠા સમગ્ર વિશ્વમાં ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને વધારવા માટે એક જીવંત ઉદાહરણ બની રહી છે.
ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીના આધ્યાત્મિક નેતૃત્વ અને સમાજ સેવાની વૈશ્વિક અસરનો પુરાવો છે. તેમના પ્રેરક વ્યાખ્યાનો અને સેવાકાર્યોએ અમેરિકાના વિવિધ સમુદાયોમાં શાંતિ, સદભાવ અને સકારાત્મક પરિવર્તનનો સંદેશ ફેલાવ્યો છે.
