વિધાનસભાની ચૂંટણીનો હિમાચલ-ગુજરાતમાં શંખનાદ ટૂંક સમયમાં

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓનો શંખનાદ જલદી થશે. વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ઝડપી કરતાં ચૂંટણી પંચની ટીમ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી તંત્રની તૈયારીઓની સમનીક્ષા કરવા માટે બંને રાજ્યોની મુલાકાત આજે લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે ગુરુવારથી હિમાચલ પ્રદેશના ત્રિદિવસીય પ્રવાસ પર છે. તેઓ તૈયારીઓની સમીક્ષા કરીને અને ચૂંટણીઓનું સુચારુ સંચાલન સુનિશ્ચિત  કરવા માટે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

કુમાર અને પાંડે સોમવારે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગુજરાત આવવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાઓનો કાર્યકાળ ક્રમશઃ આઠ જાન્યુઆરી અને 23 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. હિમાચલમાં 2017ના નવેમ્બરમાં ચૂંટણી થઈ હતી, જ્યારે ગુજરાતમાં નવ અને 14 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચ ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતાં પહેલાં જેતે રાજ્યોની મુલાકાત લે છે. ગુજરાતમાં ભાજપ 1998થી સત્તામાં છે, જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ખૂબ નજીક આવી ગઈ હતી.

ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાય એવી શક્યતા છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી પણ આ વખતે ચૂંટણીજંગમાં સામેલ છે. આપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે અનેક પ્રલોભનો આપી રહી છે. મોદી અને શાહનું આ ગૃહ રાજ્ય હોવાથી રાજ્યની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળે એવી સંભાવના છે.